ગાંધીનગર: ગુજરાતને ભારતનું અગ્રણી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવા રાજ્ય સરકારે મહત્ત્વાકાંક્ષી ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ જાહેર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ નવી પોલિસીનું લોન્ચિંગ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવવાના હેતુથી રાજ્ય સરકારે આ નીતિ અમલમાં મૂકી છે. નવી પોલિસીથી ગુજરાત ડેટા સેન્ટર રોકાણ માટે દેશનું સૌથી આકર્ષક ગંતવ્ય બનશે અને ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઈ-કોમર્સ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ તેમજ ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોને નવી દિશા મળશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ધોલેરા વિશ્વસ્તરીય ‘ડેટા સેન્ટર સિટી’ તરીકે વિકસી રહ્યું છે. રાજ્ય સરકારે 7.5 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નક્કી કર્યું છે, પરંતુ દેશ-વિદેશની અગ્રણી કંપનીઓ તરફથી તેનાથી પણ વધુ ક્ષમતાના રોકાણ માટે રસ દર્શાવતા પ્રસ્તાવો મળી ચૂક્યા છે.
પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછા 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. પાણીની જરૂરિયાત પૂરી કરવા ડીસેલીનેશન પ્લાન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉપરાંત રોકાણકારોને ઝડપી મંજૂરી મળે તે માટે સિંગલ-વિન્ડો સિસ્ટમ, વિશેષ લેન્ડ પોકેટ્સ અને સિનિયર નોડલ ઓફિસરોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્યને અત્યાર સુધીમાં 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટેના પ્રસ્તાવો પ્રાપ્ત થયા છે, જેમાંથી આશરે 8 ગીગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ્સ વિકસાવવાનું આયોજન છે. તેમણે ઉમેર્યું કે આ પોલિસી માત્ર ડેટા સ્ટોરેજ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર AI આધારિત ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે ગુજરાત પાસે વિશાળ દરિયાકાંઠો, સૌર અને પવન ઊર્જાના સમૃદ્ધ સ્ત્રોત તેમજ મજબૂત વીજ પુરવઠાની સુવિધા હોવાથી ડેટા સેન્ટર ઉદ્યોગ માટે રાજ્ય પાસે તમામ જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે આ પોલિસીના અમલીકરણથી રાજ્યમાં અંદાજે રૂ. 6 લાખ કરોડનું રોકાણ આકર્ષાશે અને મોટા પાયે રોજગારીની નવી તકોનું સર્જન થશે.
રાજ્ય સરકારનું માનવું છે કે નવી ડેટા સેન્ટર પોલિસી ગુજરાતને માત્ર દેશનું જ નહીં, પરંતુ વૈશ્વિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે.










