100 ટકા જળસંગ્રહ ક્ષમતા હાંસલ થતાં 20 દરવાજા ખોલાયા, 17 ગામોને એલર્ટ; ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગર: ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગર જિલ્લાના સૌથી મહત્વપૂર્ણ અને જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં સોમવારે સાંજે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક થતાં જળાશયે તેની 100 ટકા સંગ્રહ ક્ષમતા હાંસલ કરી છે. ડેમ છલકાતાં સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
34 ફૂટની સંપૂર્ણ જળસપાટી ધરાવતા શેત્રુંજી ડેમના ઓવરફ્લો સાથે ભાવનગર શહેર માટે આગામી એક વર્ષ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થયો છે. ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પણ પૂરતું પાણી મળશે, જેના કારણે કૃષિ ક્ષેત્રને મોટો લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડેમમાં પાણીની આવક સતત યથાવત રહેતાં તંત્રએ 59 પૈકી 20 દરવાજા ખોલીને પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેના કારણે શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધી ગયો છે.
નદીમાં પાણી છોડાતા સંભવિત અસરને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ 17 ગામોને એલર્ટ જાહેર કર્યું છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા સહિત તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોના લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા પ્રશાસને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં પ્રવેશ ન કરવા, અનાવશ્યક અવરજવર ટાળવા, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે.
ચોમાસાની શરૂઆતમાં જ શેત્રુંજી ડેમ છલકાવાની ઘટના ભાવનગર જિલ્લા માટે શુભ સંકેત માનવામાં આવી રહી છે. પીવાના પાણીની વર્ષભરની જરૂરિયાત પૂરી થવાની સાથે સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ બનતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે. સારા વરસાદ અને ભરપૂર જળસંગ્રહને કારણે સમગ્ર જિલ્લામાં રાહત અને આનંદનો માહોલ છવાયો છે.











