અમરેલીમાં સાડા ચાર ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત, ઠેબી ડેમના 6 દરવાજા ખોલાયા; અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસાએ ફરી જોર પકડતાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં 1થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાતા શહેરો અને ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે અનેક નદીઓમાં ઘોડાપૂર આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઘોઘામાં માત્ર બે કલાકમાં 6 ઇંચ નોંધાયો હતો. ભાવનગર શહેર અને શિહોરમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો, સર્કલો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કાળિયાભીલ વિસ્તાર સહિત અનેક સોસાયટીઓમાં ચાર ફૂટ સુધી પાણી ભરાતાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં અને વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા.
છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં ઘોઘામાં 156 મીમી, ભાવનગર શહેરમાં 114 મીમી, શિહોરમાં 113 મીમી, ગારીયાધારમાં 86 મીમી, ઉમરાળામાં 80 મીમી, મહુવામાં 55 મીમી, પાલીતાણામાં 52 મીમી, જેસરમાં 48 મીમી અને તળાજામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી હતી. અમરેલી શહેરમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસતાં મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.
જિલ્લામાં લાઠીમાં 117 મીમી, બાબરામાં 111 મીમી, અમરેલીમાં 108 મીમી, સાવરકુંડલામાં 97 મીમી, લીલિયામાં 68 મીમી, રાજુલામાં 49 મીમી, ખાંભામાં 29 મીમી અને વડિયામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમરેલી નજીક આવેલા ઠેબી ડેમમાં પાણીની આવક સતત વધતાં આજે વહેલી સવારે જળસ્તર નિયંત્રિત રાખવા માટે ડેમના 6 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા.
બગસરા પંથકમાં પણ ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સાવરકુંડલામાં નાવલી નદીમાં ફરી પાણીની આવક વધતાં નદી ચોથી વખત બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં આવેલા ઘોડાપૂરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
જામનગર જિલ્લામાં જોડિયા અને લાલપુરમાં અંદાજે એક ઇંચ, જ્યારે કાલાવડ અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મેંદરડા, માણાવદર, વિસાવદર અને વંથલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. સ્થાનિક તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.











