સુરત ફરી જળબંબાકાર બન્યું, વલસાડમાં સાડા આઠ ઇંચ વરસાદ; કચ્છમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકાઓમાં હળવાથી લઈને અતિભારે વરસાદ નોંધાતા અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ તોફાની બેટિંગ કરી છે, જ્યારે લાંબા વિરામ બાદ કચ્છમાં પણ સારો વરસાદ શરૂ થતાં રાહતનો માહોલ સર્જાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, વલસાડ જિલ્લાના તાપી વિસ્તારમાં સૌથી વધુ 218 મીમી (8.50 ઇંચ) વરસાદ નોંધાયો છે. પારડી અને ઉમરગામમાં 6.50 ઇંચ, વલસાડ શહેરમાં 5.50 ઇંચ, જ્યારે નાના પોંઢા અને કપરાડામાં 6-6 ઇંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સુરત જિલ્લામાં પણ ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. કામરેજમાં 6.50 ઇંચ અને સુરત શહેરમાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાની નોંધપાત્ર એન્ટ્રી થઈ છે. રાપરમાં 2 ઇંચ, ગાંધીધામમાં પોણો ઇંચ અને ભચાઉમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના સિનોર અને ડભોઈમાં 4-4 ઇંચ, પાદરામાં અઢી ઇંચ અને કરજણમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સાડા ત્રણ ઇંચ, કડવાઈમાં 2 ઇંચ અને મહીસાગરના ખાનપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 28.90 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 185.77 મીમી, એટલે કે વાર્ષિક સરેરાશના 20.44 ટકા સુધી પહોંચી ગયો છે.
ઝોનવાર વરસાદની વાત કરીએ તો કચ્છમાં 1.92 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 15.20 ટકા, સૌરાષ્ટ્રમાં 26.79 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે.










