નવી દિલ્હી ખાતે નેશન ફર્સ્ટ પોલીસી રિસર્ચ એન્ડ ચેન્જ ફાઉન્ડેશન (NFPRC) દ્વારા “વિકસિત ભારત @2047” વિઝન અંતર્ગત આયોજિત કેન્દ્રીય વર્કશોપમાં ગુજરાતના વિવિધ ધારાસભ્યોએ હાજરી આપી હતી. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નીતિ આધારિત વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે યોજાયેલા આ વર્કશોપમાં રાજ્યના 10 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપમાં શ્રી અનિરૂધ્ધભાઈ દવે, ડો. દર્શિતા શાહ, શ્રી મુકેશભાઈ ડી. પટેલ, શ્રી સી.જે. ચાવડા, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી મહેશભાઈ ક્શવાલા, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રીમતી પાયલબેન કુકરાની, શ્રી દિનેશસિંહ કુશવાહ અને ડો. હસમુખભાઈ પટેલ સહિતના ધારાસભ્યો જોડાયા હતા.
વર્કશોપ પૂર્ણ થયા બાદ તમામ ધારાસભ્યોએ દેશના વડાપ્રધાન Narendra Modi ની શુભેચ્છા મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. વડાપ્રધાને તમામ ધારાસભ્યો સાથે આત્મીયતા પૂર્વક સંવાદ કરી તેમના પરિવારજનોના ખબરઅંતર પણ પૂછ્યા હતા. સાથે જ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
વડાપ્રધાને ખાસ કરીને રાષ્ટ્રસેવા અને સ્વચ્છતા અભિયાનને વધુ પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. રાજકોટની ચર્ચા દરમિયાન તેમણે ધારાસભ્ય ડો. દર્શિતા શાહના પરિવારજનોના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ રાજકોટની વીરાણી બહેરામૂંગા શાળાને પણ વિશેષ રીતે યાદ કરી હતી.
વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન બદલ તમામ ધારાસભ્યોએ વ્યસ્ત સમય વચ્ચે મુલાકાત માટે સમય ફાળવવા બદલ તેમનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શિતા શાહ તથા અન્ય ધારાસભ્યોએ નવી દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitin Nabin ની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Post Views: 37











