ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા અને પાણીની અછત દૂર કરવા માટે મોટા પાયે તરબૂચનું સેવન કરવામાં આવે છે. પરંતુ હાલના દિવસોમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી તરબૂચ ખાધા બાદ લોકોની તબિયત લથડવાની અને કેટલાક કિસ્સાઓમાં મોતના કરુણ સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ચોંકાવનારી ઘટનાઓને પગલે ખાદ્ય સુરક્ષા (Food Safety) અને ફૂડ પોઇઝનિંગને લઈને વ્યાપક ચિંતા ઊભી થઈ છે.
દેશના વિવિધ ભાગોમાંથી સામે આવેલા ગંભીર કિસ્સાઓની વિગત નીચે મુજબ છે:
-
ઉત્તર પ્રદેશ (ગોરખપુર અને બિઝનોર): ગોરખપુર જિલ્લાના બેલીપાર થાણા વિસ્તારમાં આવેલા મલાંવ ગામમાં તરબૂચ ખાધા બાદ અનેક લોકો એકાએક બીમાર પડ્યા હતા. મળતી માહિતી મુજબ, આ લોકોએ પહેલા મેગી ખાધી હતી અને ત્યારબાદ તરબૂચનું સેવન કર્યું હતું. જેના લીધે તેમને ઉલ્ટી, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. હાલ 9 લોકોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય બિઝનોર જિલ્લાના શેર નગર નરૈની ગામમાં એક 21 વર્ષની યુવતીનું તરબૂચ ખાધા બાદ તબિયત બગડતા અચાનક મોત નીપજ્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
-
મધ્ય પ્રદેશ (શ્યોપુર): શ્યોપુર જિલ્લામાં પણ તરબૂચ ખાવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે તેનો પુત્ર અત્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પિતા-પુત્ર બંનેએ છાતીમાં બળતરા થવાના કારણે તરબૂચ ખાધું હતું અને થોડી જ વારમાં તેમની સ્થિતિ નાજુક બની ગઈ હતી. તબીબોએ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરી છે.
-
છત્તીસગઢ (જાંજગીર-ચામ્પા): જિલ્લાના ઘુરકોટ ગામમાં લાંબો સમયથી કાપીને રાખેલું તરબૂચ ખાવાના કારણે ચાર બાળકોની તબિયત લથડી હતી. કમનસીબે, તેમાંથી એક15 વર્ષના કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ કેસમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ફૂડ પોઇઝનિંગ થવાની પ્રબળ શક્યતા છે.
-
બિહાર (બક્સર): બક્સર જિલ્લાના સોનબરસા ગામમાં એક જ પરિવારના આઠ સભ્યોની તબિયત તરબૂચ ખાધા બાદ બગડી ગઈ હતી. તમામ સભ્યોને ઉલ્ટી, ઝાડા અને અસહ્ય માથાના દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોએ આને પણ ફૂડ પોઇઝનિંગનો જ મામલો ગણાવ્યો છે.
-
મુંબઈ (પાયધુની): મુંબઈના પાયધુની વિસ્તારમાં થોડા સમય પહેલા એક જ પરિવારના ચાર લોકોના મોતના કેસમાં શરૂઆતમાં તરબૂચને જવાબદાર માનવામાં આવ્યું હતું. જોકે, પાછળથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અને ફોરેન્સિક તપાસમાં તરબૂચની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ કે ઝેર જોવા મળ્યું ન હતું. પરંતુ મોતનું વાસ્તવિક કારણ ફૂડ પોઇઝનિંગ જ હોવાનું સામે આવ્યું હતું.
નિષ્ણાતોની સલાહ અને સાવચેતીના પગલાં
આરોગ્ય નિષ્ણાતો અને ગેસ્ટ્રોલોજી વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે કુદરતી તરબૂચ ખાવું સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત અને ફાયદાકારક છે. પરંતુ બગડેલું, કેમિકલથી પકવેલું, માખીઓ બેસેલું કે લાંબા સમય સુધી કાપીને ખુલ્લું રાખવામાં આવેલું તરબૂચ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. દૂષિત ફળો ખાવાથી શરીરમાં બેક્ટેરિયલ ચેપ ફેલાય છે. જે ઉલ્ટી, ઝાડા અને ક્યારેક જીવલેણ ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે. આથી, ઉનાળામાં બજારમાંથી કાપેલા ફળો ખરીદવાનું ટાળવું અને ઘરે પણ ફળ કાપ્યા બાદ તરત જ તેનો વપરાશ કરી લેવો હિતાવહ છે.
Post Views: 84










