કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭થી ધોરણ 9 અને 10ની ભાષા શિક્ષણ પ્રણાલીમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પાયાના ફેરફારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ મે ૨૦૨૬ના રોજ જારી કરાયેલા એક સત્તાવાર પરિપત્રમાં બોર્ડે જણાવ્યું છે કે, આ સુધારેલું ભાષાકીય માળખું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (NCF-SE) ૨૦૨૩ના દિશાનિર્દેશોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે.
૧ જુલાઈ ૨૦૨૬થી લાગુ થશે નવો નિયમ: બે ભારતીય ભાષાઓ રાખવી અનિવાર્ય
બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ૧ જુલાઈ ૨૦૨૬થી ધોરણ ૯માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ ભાષાઓ (R1, R2, R3) નો અભ્યાસ કરવો ફરજિયાત રહેશે.
આ નવા નિયમની મુખ્ય શરતો નીચે મુજબ છે:
-
ભારતીય ભાષાઓને પ્રાધાન્ય: વિદ્યાર્થીએ પસંદ કરેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી અનિવાર્ય છે.
-
વિદેશી ભાષા માટેનો નિયમ: જો કોઈ વિદ્યાર્થી વિદેશી ભાષા શીખવા માંગતો હોય, તો તે તેને ત્રીજી ભાષા (R3) તરીકે જ પસંદ કરી શકે છે.પરંતુ તે માટે પ્રથમ બે ભાષાઓ ભારતીય હોવી જરૂરી છે. અથવા તો વિદ્યાર્થી તેને વધારાની ચોથી ભાષા (Elective) તરીકે પણ રાખી શકે છે.
આ અંગેની વધુ વિગતો અને સત્તાવાર યાદી માટે વિદ્યાર્થીઓ સીબીએસઈની અધિકૃત વેબસાઈટ CBSE Academic પર મુલાકાત લઈ શકે છે.
શાળાઓ માટે માર્ગદર્શિકા અને સંસાધનોનું આયોજન
સીબીએસઈએ ધોરણ ૯ની આ નવી ભાષા નીતિને સફળતાપૂર્વક લાગુ કરવા માટે શાળાઓને વિગતવાર સૂચનાઓ આપી છે:
-
પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધતા: બોર્ડના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ત્રીજી ભાષા (R3) માટેના નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી વિદ્યાર્થીઓને ધોરણ ૬ના પુસ્તકો (૨૦ frame ૨૬-૨૭ સંસ્કરણ) માંથી અભ્યાસ કરાવવામાં આવશે.
-
પૂરક સાહિત્ય: શાળાઓને મુખ્ય અભ્યાસક્રમની સાથે વાર્તાઓ, કવિતાઓ અને બિન-કાલ્પનિક (Non-fictional) જેવી પૂરક વાંચન સામગ્રીનો પણ સમાવેશ કરવા સૂચન કરાયું છે.
-
શિક્ષકોની અછતનું નિવારણ: જો શાળાઓમાં લાયકાત ધરાવતા ભાષા શિક્ષકોની અછત હોય, તો અન્ય વિષયોના શિક્ષકોની મદદ લઈ શકાય છે અથવા ઓનલાઈન શિક્ષણ અને અન્ય શાળાઓ સાથે સંસાધનોની આપ-લે (Shared learning) જેવી વ્યવસ્થાઓ અપનાવી શકાશે.
મૂલ્યાંકન પદ્ધતિ અને બોર્ડ પરીક્ષા અંગે સ્પષ્ટતા
-
R3 માટે સેમ્પલ પેપર: સીબીએસઈ દ્વારા ટૂંક સમયમાં જ ત્રીજી ભાષા (R3) માટે સેમ્પલ પેપર અને આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) ના માપદંડો જાહેર કરવામાં આવશે.જેથી શાળાઓ અને વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારી કરી શકે.
-
બોર્ડ પરીક્ષામાંથી મુક્તિ: ધોરણ ૧૦માં R3 ભાષાની કોઈ મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. તેનું મૂલ્યાંકન સંપૂર્ણપણે શાળા સ્તરે (School level) જ કરવામાં આવશે.
-
પ્રમાણપત્રમાં નોંધ: વિદ્યાર્થીનું R3 ભાષાનું પ્રદર્શન તેમના બોર્ડ સર્ટિફિકેટમાં નોંધવામાં આવશે. પરંતુ આ વિષયના કારણે કોઈ પણ વિદ્યાર્થીને ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા આપતા રોકવામાં આવશે નહીં.
મહત્વપૂર્ણ સમયમર્યાદા અને વિશેષ છૂટછાટ
-
ડેટા અપડેટ: દેશની તમામ સીબીએસઈ શાળાઓએ ૩૦ જૂન ૨૦૨૮ સુધીમાં પોતાના ઓએસિસ (OASIS) પોર્ટલ પર વિદ્યાર્થીઓના R3 વિષયની સંપૂર્ણ વિગતો ફરજિયાત અપડેટ કરવાની રહેશે.
-
દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત: ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકો (CWSN) ને RPwD એક્ટ ૨૦૧૬ (Right of Persons with Disabilities Act) હેઠળ આ નિયમોમાં જરૂરી છૂટછાટ આપવામાં આવશે. જેમાં જરૂર પડ્યે બીજી કે ત્રીજી ભાષા રાખવામાંથી મુક્તિ પણ સામેલ છે.
બોર્ડે દેશની તમામ સંલગ્ન શાળાઓને કડક આદેશ આપ્યો છે કે તેઓ વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓના પૂરતા વિકલ્પો ઉપલબ્ધ કરાવે, NCERTના નવા પુસ્તકોનું પાલન કરે, શિક્ષકોને યોગ્ય તાલીમ આપે અને આ મોટા ફેરફાર અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સમયસર માહિતગાર કરે.
Post Views: 26










