વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ચાર દેશોના યુરોપિયન પ્રવાસે છે.. જે અંતર્ગત 16 મેના રોજ તેઓ નેધરલેન્ડ પહોંચ્યા હતા. ત્યાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ આગામી સમયમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા અંગે અને ક્રિકેટના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ત્યાંના રાજા વિલિયમ અને ક્વીન મેક્સિમા સાથે પણ ખાસ મુલાકાત કરશે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે હેગ (The Hague) ખાતે ભારતીય પ્રવાસીઓ સાથે એક ટૂંકી મુલાકાત કરીને તેમને સંબોધિત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે બંને દેશોના જોડાણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારત-નેધરલેન્ડના સંબંધોની એક અનોખી ઓળખ રમતગમત પણ છે
ભારતીય પ્રવાસીઓ સાથે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને નેધરલેન્ડના પરસ્પર સંબંધો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ બંને દેશોના સંબંધોની એક મહત્વની ઓળખ રમતગમત પણ છે. જેના વિશે સામાન્ય રીતે ખૂબ ઓછી ચર્ચા થાય છે. રમતગમતના ક્ષેત્રમાં બંને દેશોનો ઇતિહાસ લાંબા સમયથી એકબીજા સાથે જોડાયેલો છે અને તે સતત મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડની ક્રિકેટ ટીમનું ઉદાહરણ આપ્યું હતું. જેમાં ચાલુ વર્ષ (2026) ની શરૂઆતમાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં ઘણા ભારતીય મૂળના ખેલાડીઓ સામેલ હતા. પીએમ મોદીએ આર્યન દત્ત જેવા ખેલાડીઓનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે ભારતીય મૂળના ખેલાડીઓ ડચ (નેધરલેન્ડ) ટીમ વતી શાનદાર પ્રદર્શન કરે છે. ત્યારે તે આપણા બધા માટે અત્યંત ગર્વની વાત હોય છે.
ઓલિમ્પિકની યજમાની અંગે પીએમ મોદીએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ
ભારત દ્વારા આગામી સમયમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટેની સત્તાવાર પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. આ વિષય પર ભારતીય સમુદાયને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો ભારત મોટી આકાંક્ષાઓ અને આત્મવિશ્વાસથી ભરેલો છે. ભારત નજીકના ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોની સફળ યજમાની કરવા ઈચ્છે છે અને તેની સાથે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ (વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર) બનવાનું મોટું સપનું પણ જોઈ રહ્યું છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેના ખેલ સંબંધોને આગળ વધારતા પીએમ મોદીએ ઉમેર્યું કે, ભારતીય હોકીને વધુ બહેતર અને આધુનિક બનાવવામાં નેધરલેન્ડના કોચોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આ દરમિયાન તેમણે ભારતીય મહિલા હોકી ટીમના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા પૂર્વ ડચ કોચ સજોર્ડ મારિઝનેની ભૂમિકાને પણ બિરદાવી હતી.
Post Views: 29










