સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલામાં કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વર્ષ 2019માં એક રોડ શો દરમિયાન ચૂંટણી ભાષણ આપતા તેમણે તત્કાલીન જિલ્લા કલેક્ટર (DM) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ કેસમાં આજે આઝમ ખાનને દોષિત જાહેર કરીને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને સાથે જ 5,000 રૂપિયાનો દંડ પણ લગાવાયો છે. આ મામલાની સુનાવણી 4 મેના રોજ પૂર્ણ થઈ હતી. અને 16 મે 2026ની તારીખ ચુકાદા માટે નક્કી કરવામાં આવી હતી.
ભાષણનો વીડિયો વાયરલ થયો હતો
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આઝમ ખાન સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવાર હતા. ચૂંટણી ઉમેદવાર તરીકે તેઓ ભોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. આ દરમિયાન તેમણે આપેલા ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આ વીડિયોમાં આઝમ ખાને જિલ્લાના તત્કાલીન કલેક્ટર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ લોકો પગારદાર નોકરો છે, એમનાથી ડરતા નહીં. એવા લોકો સાથે ગઠબંધન કર્યું છે જે જૂતાં સાફ કરાવી લે છે, ઇન્શા અલ્લાહ ચૂંટણી જીત્યા પછી આ લોકો પાસે જૂતાં સાફ કરાવીશ…”
ચૂંટણી પંચના આદેશ પર ગુનો નોંધાયો
આઝમ ખાનના આ વાયરલ વીડિયો પર ભારતીય ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી હતી અને રાજ્ય ચૂંટણી પંચ પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. તત્કાલીન જિલ્લા કલેક્ટર અને હાલના મુરાદાબાદના કમિશનર આંજનેય કુમાર સિંહના આદેશ પર તત્કાલીન SDM ટાંડા અને ચમરૌઆ વિધાનસભા મતવિસ્તારના ARO ઘનશ્યામ ત્રિપાઠીએ ભોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે તપાસ બાદ અદાલતમાં આઝમ ખાન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અને એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ કેસનો ટ્રાયલ ચાલ્યો હતો.
આગામી 30 દિવસમાં અન્ય 2 કેસની સુનાવણી
APO સ્વદેશ શર્માએ જણાવ્યું કે, એક કેસમાં આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને મળેલી 7 વર્ષની સજા વધારવા માટે સરકારે એમપી-એમએલએ સેશન કોર્ટમાં અપીલ કરેલી છે, જેના પર હવે 18 મેના રોજ સુનાવણી હાથ ધરાશે. આ ઉપરાંત, આઝમ ખાનના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ પર ખોટું સોગંદનામું રજૂ કરવાનો પણ આરોપ છે. આ કેસમાં કોર્ટે પ્રશાસન પાસેથી અબ્દુલ્લાની ઉંમર સાથે જોડાયેલા દસ્તાવેજો મંગાવ્યા છે, જેની આગામી સુનાવણી 12 જૂનના રોજ યોજાશે.
Post Views: 0











