ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: 49 દિવસ બાદ ખુલ્યું હોર્મુઝ સ્ટ્રેટ, તેલ અને ગેસના ભાવમાં ઘટાડાની શક્યતા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈરાને આખરે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) ને વ્યાપારી જહાજો માટે ફરીથી ખોલવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે, લેબનોનમાં થયેલા સીઝફાયર બાદ હવે આ દરિયાઈ માર્ગ સુરક્ષિત છે. નોંધનીય છે કે, ગત 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા થયેલા હુમલા બાદ આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.જે બરાબર 49 દિવસ બાદ ફરી કાર્યરત થયો છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી ભારતને સૌથી મોટો ફાયદો ઉર્જા ક્ષેત્રે થવાની આશા છે. ભારત તેના વપરાશનું મોટાભાગનું એલપીજી (LPG) કતર અને અન્ય અખાતી દેશોમાંથી આ જ માર્ગે મંગાવે છે. છેલ્લા દોઢ મહિનાથી આ માર્ગ બંધ હોવાને કારણે દેશમાં ગેસની અછત વર્તાઈ રહી હતી, જે હવે દૂર થશે. આ ઉપરાંત ભારતની તેલની જરૂરિયાતનો 60 ટકાથી વધુ હિસ્સો આ જ રસ્તેથી આવતો હોવાથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે, જે સામાન્ય જનતા માટે મોંઘવારીમાં મોટી રાહત સાબિત થશે.

વૈશ્વિક સ્તરે હોર્મુઝ સ્ટ્રેટને ‘ઇકોનોમિક ચોક પોઇન્ટ’ માનવામાં આવે છે, કારણ કે તે પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. દુનિયાના કુલ તેલ વેપારનો લગભગ 21 ટકા હિસ્સો એટલે કે દરરોજ આશરે 2 કરોડ બેરલ કાચું તેલ અહીંથી પસાર થાય છે. શુક્રવારે આ માર્ગ ખુલવાની જાહેરાત થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસની કિંમતોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમાચારની પુષ્ટિ કરવાની સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નવી ‘ડીલ’ ફાઈનલ ન થાય ત્યાં સુધી ઈરાન પર નૌકાદળની અમુક પાબંદીઓ યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE