મહિલા અનામત અને સીમાંકન (Delimitation) સાથે જોડાયેલું બંધારણીય સુધારો વિધેયક લોકસભામાં પસાર થઈ શક્યું નથી. સરકારને બે-તૃતીયાંશ બહુમતી સાથે આ બિલ પસાર કરાવવા માટે ગૃહમાં હાજર 528 સાંસદોમાંથી 352 મતોની જરૂર હતી.પરંતુ બિલની તરફેણમાં માત્ર 298 મતો જ પડ્યા હતા. જ્યારે 230 સાંસદોએ આ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
આ બિલ લોકસભામાં નિષ્ફળ ગયા બાદ વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે આપેલી પ્રતિક્રિયાઓ નીચે મુજબ છે:
રાજકીય માળખું બદલવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “અમે બંધારણ પર થયેલા આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મહિલાઓ માટેનું અનામત બિલ નથી, પરંતુ ભારતનું રાજકીય માળખું બદલવાની એક યુક્તિ હતી.”
આ બિલ પસાર થવું અશક્ય હતું – પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, “સરકારે જે રીતે આ બિલ રજૂ કર્યું હતું, તેને જોતા તેનું પસાર થવું અશક્ય હતું. કેન્દ્ર સરકારે મહિલા અનામતને સીમાંકન અને જૂની વસ્તી ગણતરી સાથે જોડીને આ બિલને ફગાવી દેવા જેવી સ્થિતિ ઊભી કરી. આ માત્ર મહિલા અનામતનો મુદ્દો નથી, પણ લોકશાહી સાથે જોડાયેલો વિષય છે. અમે સીમાંકનને મહિલા અનામત સાથે જોડવાને ક્યારેય સ્વીકારી શકીએ નહીં. આ બિલનું પડવું એ ભારતમાં લોકશાહીની મોટી જીત છે.”
ભાજપ પર વળતો પ્રહાર: તેમણે ભાજપ પર નિશાન સાધતા વધુમાં ઉમેર્યું કે, “હાથરસ, ઉન્નાવ અને મણિપુરમાં કોઈ પગલાં ન લેનારા લોકો આજે મહિલા વિરોધી માનસિકતાની વાતો કરી રહ્યા છે.”
પ્રયાસોમાં કંઈક કમી રહી ગઈ હોય તેવું લાગે છે – અખિલેશ યાદવ
સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે, “અમે અમારું વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમે મહિલા અનામતના પક્ષધર છીએ. છતાં પણ ગાડી અટકી ગઈ, લાગે છે કે પ્રયાસોમાં કંઈક કમી રહી ગઈ છે. સમાજવાદી પાર્ટી અને વિપક્ષે મહિલા અનામતનો વિરોધ નથી કર્યો. લોકશાહીમાં મહિલાઓને જે સ્થાન મળવું જોઈએ, અમે તેની તરફેણમાં છીએ. અમે વિરોધ નહોતો કર્યો, પરંતુ તેની સાથે જેઓ મહિલાઓના અધિકારો છીનવવા માંગતા હતા, વિપક્ષે ખેંચેલી તે ‘લક્ષ્મણ રેખા’ને સરકાર પાર કરી શકી નથી.”
Post Views: 18










