ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. ગાંધીનગર કોર્ટના પાર્કિંગમાં એક અત્યંત ગુપ્ત અને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ACBએ એક નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળાને લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કડક કાર્યવાહીથી સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો…
‘મને કોઈ પસ્તાવો નથી…’, હંસિકા મોટવાણીએ છૂટાછેડાના એક મહિના બાદ તોડ્યું મૌન, દિલની વાત કરી જાહેર
પ્રોપર્ટી કાર્ડના ક્લિયરન્સ માટે ₹9.50 લાખની માંગણી
ઘટનાની વિગતો મુજબ, નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદે ફરિયાદી પાસેથી તેમના પ્રોપર્ટી કાર્ડના કામ માટે લાંચની માંગણી કરી હતી. પ્રોપર્ટી કાર્ડમાં અનુકૂળ અભિપ્રાય આપવા અને દસ્તાવેજોમાં કોઈ વાંધા-વચકા ન કાઢવાના બદલામાં આરોપીઓએ ₹9.50 લાખની માંગણી કરી હતી. જોકે, લાંબી રકઝક બાદ આખરે ₹4.50 લાખ આપવાનું નક્કી થયું હતું. ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે ફરિયાદીએ હિંમત દાખવીને ACBનો સંપર્ક સાધ્યો હતો.
કારની અંદર જ લાંચ સ્વીકારતા આરોપીઓ દબોચાયા
ACBની ટીમે બાતમીના આધારે ગાંધીનગર કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. જેવી ફરિયાદીની કારમાં આરોપીઓએ લાંચ પેટે ₹4.50 લાખની રોકડ રકમ સ્વીકારી, કે તુરંત જ સતર્ક એસીબી અધિકારીઓએ ત્રાટકીને બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઓપરેશન એટલી ચોકસાઈ અને ઝડપથી પાર પાડવામાં આવ્યું હતું કે આરોપીઓને છટકી જવાની કોઈ તક મળી નહોતી.
મોટા માથાઓની સંડોવણી અંગે તપાસ તેજ
હાલમાં, ACBએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. એજન્સી હવે એ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આ કૌભાંડના તાર મહેસૂલ વિભાગના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ કે ‘મોટા માથાઓ’ સાથે જોડાયેલા છે કે કેમ.
Post Views: 32










