કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂરથી જનજીવન ખોરવાયું; આગામી 48 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ
નવી દિલ્હી: ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં મેઘરાજાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓમાં છેલ્લા બે દિવસમાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપત્તા હોવાનું સામે આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરનાથ, માતા વૈષ્ણોદેવી અને ચારધામ યાત્રા અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. પૂંછ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના સાત સભ્યોનાં મોત થયા હતા. ડોડા જિલ્લામાં બસ પર પથ્થર ધસી પડતાં બે લોકોના જીવ ગયા હતા, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ અનેક દુર્ઘટનાઓમાં જાનહાનિ થઈ છે.
તવી અને ચિનાબ નદીઓમાં પાણીનો પ્રવાહ વધતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી સાથે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવી છે.
ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સતત બીજા દિવસે બંધ રાખવામાં આવી છે, જ્યારે બાલતાલ માર્ગ આંશિક રીતે ખુલ્લો મુકાયો છે. કટરામાં હજારો યાત્રાળુઓ અટવાઈ ગયા છે. વૈષ્ણોદેવી યાત્રામાર્ગ પર અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં માર્ગો બંધ કરી દેવાયા છે અને તેને ફરી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે. મસૂરી-દેહરાદૂન સહિતના અનેક માર્ગો પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરી કુલ્લુ, શિમલા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
પ્રશાસને લોકોને નદી-નાળા, પહાડી વિસ્તારો અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા સ્થળોથી દૂર રહેવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.











