સિક્કિમની નિર્માણાધીન સુરંગમાં વિનાશ: ભૂસ્ખલન બાદ મિથેન ગેસ લીકથી 8 મજૂરોના મોત

19થી વધુ શ્રમિકો ફસાયા હોવાની આશંકા; ઝેરી ગેસ વચ્ચે NDRF-SDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ગંગટોક: સિક્કિમના દક્ષિણ જિલ્લામાં નિર્માણાધીન સમારડુંગ સુરંગમાં ભૂસ્ખલન બાદ મિથેન ગેસ લીક થતાં સર્જાયેલી દુર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા છે. સુરંગની અંદર હજુ પણ 19થી વધુ શ્રમિકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ સુરંગ તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અંતર્ગત પટેલ એન્જિનિયરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી રહી હતી. ભૂસ્ખલન બાદ સુરંગમાં મિથેન ગેસનું લીકેજ થતાં સમગ્ર વિસ્તાર અત્યંત જોખમી બની ગયો છે, જેના કારણે બચાવ દળોને કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દુર્ઘટનાની જાણ થતાં NDRF, SDRF, સિક્કિમ પોલીસ, ફાયર સર્વિસ, આરોગ્ય વિભાગ અને અન્ય બચાવ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિશેષ સુરક્ષા સાધનો સાથે રેસ્ક્યૂ ટીમોએ કામગીરી શરૂ કરી છે, પરંતુ સુરંગની અંદર ઝેરી ગેસનું પ્રમાણ વધુ હોવાથી ઓપરેશન અત્યંત પડકારજનક બન્યું છે.

નમચી જિલ્લા કલેક્ટર અનુપા તામલિંગએ જણાવ્યું કે સુરંગમાં અંદાજે 27 કર્મચારીઓ હાજર હોવાની માહિતી છે. જોકે અંદરની સ્થિતિ હજુ સ્પષ્ટ ન હોવાથી ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

મૃતકોના મૃતદેહોને સિંગતમ અને નમચી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, પ્રશાસને સુરંગમાં થયેલા ભૂસ્ખલનનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

બચાવ દળોનું મુખ્ય લક્ષ્ય સુરંગમાં ફસાયેલા શ્રમિકોને ઝડપથી અને સલામત રીતે બહાર કાઢવાનું છે. સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં તમામ જરૂરી સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE