બેરિકેડ તોડવાના પ્રયાસ બાદ ટીયર ગેસના શેલ છોડાયા; સંસદ ભવન સહિત સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ પર મુકાયો
નવી દિલ્હી: નીટ પરીક્ષા મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં રાજકીય માહોલ ગરમાયો હતો. જંતર-મંતરથી સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને રોકવા પોલીસ અને સુરક્ષા દળોએ ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા બેરિકેડ પાર કરવાનો પ્રયાસ થતાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
પરિસ્થિતિ બેકાબૂ બનતાં પોલીસે પહેલા પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ વધુ તંગ બનતાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના શેલ છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે સંસદ ભવન અને આસપાસના સમગ્ર સુરક્ષા વિસ્તારમાં વધારાની પોલીસ તથા અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં અવરજવર પર નજર રાખવા માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પ્રદર્શન પહેલાંથી જ જંતર-મંતર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહી સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સમગ્ર મામલે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.











