પ્રભાસ પાટણ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે વિશેષ અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે, જેથી સોમનાથ આવનાર દરેક ભક્તને પૂજાના પુણ્યલાભનો અવસર મળી રહે.
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, શ્રાવણ માસ શરૂ થવાના એક મહિના અગાઉ જ ‘પાઘ પૂજા’, ‘છેલ્લી ધ્વજા પૂજા’ તેમજ મોટી સંખ્યામાં ‘સોમેશ્વર પૂજા’ના તમામ સ્લોટ બુક થઈ ચૂક્યા છે. ભક્તોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સામાન્ય શ્રદ્ધાળુઓ પણ પૂજાના લાભથી વંચિત ન રહે તે માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે ભક્તોને માત્ર ₹51નું નામમાત્રનું શુલ્ક ચૂકવવું પડશે. નોંધણી બાદ ટ્રસ્ટ દ્વારા યજ્ઞ માટેની તમામ હવન સામગ્રી પૂરી પાડવામાં આવશે અને દરેક ભક્ત મહામૃત્યુંજય મંત્રની 51 આહુતિ અર્પણ કરી શકશે.
ભક્તોની સુવિધા માટે દરરોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કુલ 9 સમય સ્લોટ રાખવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં દક્ષિણ દ્વાર નજીક, બાણસ્તંભ પાસે અને શો પેવેલિયન નજીક ત્રણ વિશાળ યજ્ઞશાળાઓ તૈયાર કરવામાં આવી છે, જ્યાં શ્રદ્ધાળુઓ યજ્ઞમાં ભાગ લઈ શકશે.
યજ્ઞમાં ભાગ લેવા માટે પરંપરાગત ધોતી પહેરવી ફરજિયાત રાખવામાં આવી છે. આ માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ ધોતી કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત, ભક્તો મંદિરના સ્વાગત કેન્દ્ર, નોંધણી કાઉન્ટર તેમજ ટૂંક સમયમાં ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ મારફતે પણ બુકિંગ કરાવી શકશે.
પૌરાણિક માન્યતા અનુસાર, સોમનાથ મહામૃત્યુંજય મંત્રની સિદ્ધ ભૂમિ માનવામાં આવે છે. માન્યતા છે કે ચંદ્રદેવે અહીં મહામૃત્યુંજય મંત્રના જાપ દ્વારા ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી હતી અને ક્ષયરોગમાંથી મુક્તિ મેળવી હતી.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર મીનાક્ષી ભાસ્કર વૈદ્યએ જણાવ્યું હતું કે, “શ્રાવણ માસ દરમિયાન સોમનાથ આવનાર દરેક ભક્તને સરળતાથી પૂજા અને યજ્ઞનો લાભ મળે તે માટે ટ્રસ્ટ દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.”
શ્રી સોમનાથ ટ્રસ્ટે દેશભરના શિવભક્તોને આ મહામૃત્યુંજય મહાયજ્ઞમાં જોડાઈ ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.











