રાજકોટ, તા. 20 જુલાઈ: રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે 16 થી 18 જુલાઈ, 2026 દરમિયાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી.
આ ઝુંબેશ દરમિયાન કુલ 29.2 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગંદકી ફેલાવતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા 104 આસામી પાસેથી કુલ ₹54,250નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા) નિયમો–2021 અંતર્ગત ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર, ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર, આસિસ્ટન્ટ પર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસર તેમજ સેનિટરી ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાએ નાગરિકો અને વેપારીઓને અપીલ કરી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરે અને ખરીદી માટે *કાપડની થેલી (Cloth Bag)*નો ઉપયોગ કરે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી અને જપ્તીની કામગીરી યથાવત્ ચાલુ રહેશે.











