રાજકોટમાં મચ્છરજન્ય રોગો સામે RMCની કામગીરી તેજ, એક સપ્તાહમાં 33,386 ઘરોમાં પોરાનાશક કામગીરી

રાજકોટ, તા. 20 જુલાઈ: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 13 થી 19 જુલાઈ, 2026 દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે શહેરભરમાં વ્યાપક કામગીરી હાથ ધરી હતી.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ એક સપ્તાહ દરમિયાન 33,386 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી, જ્યારે 186 સ્થળોએ ફોગિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મચ્છરોની વધુ અસર ધરાવતા વિસ્તારોમાં વાહન આધારિત ફોગિંગ મશીન દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી.

મચ્છરજન્ય રોગો સામેની કાર્યવાહી હેઠળ 684 કોમર્શિયલ અને જાહેર સ્થળોની તપાસ કરવામાં આવી હતી. તેમાં બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલ, હોટેલ, ઉદ્યોગો, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન મચ્છરની ઉત્પત્તિ જોવા મળતાં 233 રહેણાંક અને 251 કોમર્શિયલ મિલકતોને નોટિસ ફટકારવામાં આવી હતી.

મચ્છરજન્ય રોગોની સ્થિતિ (13 થી 19 જુલાઈ)

મેલેરિયા: નવા કેસ – 0 | વર્ષ દરમિયાન કુલ – 7

ડેન્ગ્યુ: નવા કેસ – 0 | વર્ષ દરમિયાન કુલ – 18

ચિકુનગુનિયા: નવા કેસ – 0 | વર્ષ દરમિયાન કુલ – 1

અન્ય રોગોના સાપ્તાહિક કેસ

શરદી-ઉધરસ – 878

સામાન્ય તાવ – 839

ઝાડા-ઉલટી – 338

ટાઈફોઈડ – 3

કમળો (જૉન્ડિસ) – 0

મરડો – 0

કોલેરા – 0

પાણીજન્ય રોગોને રોકવા માટે મહાનગરપાલિકાએ 2,641 ક્લોરીન ટેસ્ટ પણ કર્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ઘરની આસપાસ સ્વચ્છતા જાળવે, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખે અને મચ્છરોના પ્રજનન સ્થળો દૂર કરે જેથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા રોગોથી બચી શકાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE