રાજકોટ, તા. 20 જુલાઈ: રાજકોટ મહાનગરપાલિકાએ PM SVANidhi (PM Street Vendor’s AtmaNirbhar Nidhi) યોજના હેઠળ શેરી ફેરિયાઓને નવી વર્કિંગ કેપિટલ લોન માટે અરજી કરવા અનુરોધ કર્યો છે. ભારત સરકારની આ યોજના માર્ચ-2030 સુધી અમલમાં રહેશે અને તેના અંતર્ગત શેરી ફેરિયાઓને સિક્યુરિટી વિના બેંકો મારફતે લોન આપવામાં આવે છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં રાજકોટ શહેરમાં ફેરીનો વ્યવસાય કરતા કુલ 2,148 લાભાર્થીઓને પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાની સિક્યુરિટી વિના લોન આપવામાં આવી છે. ઉપરાંત સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ દ્વારા 1,300 લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ અપાયો છે.
લોનની વિગતો
પ્રથમ તબક્કો: ₹15,000 (ચૂકવણી અવધિ 12 મહિના)
બીજો તબક્કો: ₹25,000 (ચૂકવણી અવધિ 18 મહિના)
ત્રીજો તબક્કો: ₹50,000 (ચૂકવણી અવધિ 36 મહિના)
રાજકોટ મહાનગરપાલિકાની NULM સેલ દ્વારા શહેરના ભારતનગર, કોઠારિયા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, નવાગામ, માધાપર, નાના માવા સર્કલ, જંગલેશ્વર, હુડકો શાક માર્કેટ, બુધવારી બજાર, ભગવતીપરા, વિનોબા ભાવે ટાઉનશિપ, લક્ષ્મણ ટાઉનશિપ, મવડી શાક માર્કેટ અને મહાત્મા ગાંધી ટાઉનશિપ સહિતના વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ ફેરિયાઓને યોજનાનો લાભ અપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકાએ અપીલ કરી છે કે જે શેરી ફેરિયાઓ હજુ સુધી યોજનાના લાભથી વંચિત છે તેઓ NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરે.
અરજી માટે જરૂરી દસ્તાવેજો:
આધાર કાર્ડ
આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર
ચૂંટણી ઓળખપત્ર
બેંક પાસબુક
UPI ID
તમામ દસ્તાવેજોની મૂળ અને ઝેરોક્સ નકલ
રાજકોટ મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે આ યોજના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવી તેમના વ્યવસાયને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.











