PCBની મોટી કાર્યવાહી: 3,984 દારૂની બોટલ અને 400 લિટર આલ્કોહોલિક કેમિકલ સહિત ₹12.26 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક PCBની ટીમે ડુપ્લિકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી આવી રહેલા દારૂ ભરેલા ટ્રકને ઝડપી પોલીસે દારૂની બોટલો સાથે આલ્કોહોલિક કેમિકલનો મોટો જથ્થો કબજે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ PCBના PI એમ.આર. ગોંડલીયાની ટીમ ગેરકાયદેસર દારૂના વેપાર સામે કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાં સિરામિક પાવડરની બોરીઓની પાછળ છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 3,984 દારૂની બોટલો મળી આવી હતી. સાથે જ 400 લિટર આલ્કોહોલિક કેમિકલ પણ મળી આવતા પોલીસે મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
PCBએ દારૂ, કેમિકલ અને ટ્રક સહિત કુલ ₹12.26 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના બે શખ્સો રઘુવીરસિંહ રતનસિંહ ચૌહાણ અને ગોકુલસિંહ સંગ્રામસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે દારૂનો જથ્થો રાજસ્થાનથી રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો હતો અને બુટલેગરો સુધી પહોંચાડવાનો હતો. જોકે, ડિલિવરી થાય તે પહેલાં જ PCBની ટીમે દરોડો પાડી સમગ્ર કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, ટ્રકમાંથી મળેલું આલ્કોહોલિક કેમિકલ દારૂની બોટલોમાં ભેળવીને અથવા નકલી દારૂ તૈયાર કરીને બજારમાં વેચવાનો ઇરાદો હોવાની આશંકા છે. આ કૃત્યથી લોકોને જોખમી અને હલકી ગુણવત્તાવાળો દારૂ વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
હાલ PCB દ્વારા આ સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂ સપ્લાય કરનાર, મંગાવનાર અને રેકેટ સાથે જોડાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.










