અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 10 થયો: મુખ્ય આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજૂર

સારવાર દરમિયાન વધુ એક શ્રમિકનું મોત; ગેરકાયદે ફટાકડા ઉત્પાદન અને જોખમી કેમિકલ સંગ્રહ મામલે તપાસ વધુ ગહન

અમદાવાદ: વસ્ત્રાલ રોડ પર મહેમૂદપુરા કેનાલ નજીક આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. ઘટનામાં ઘાયલ અન્ય ચાર લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. જરૂરી પરવાનગી વિના જ ફેક્ટરીમાં વિસ્ફોટક અને જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. બપોરે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ગણતરીની સેકન્ડોમાં આખો શેડ ધરાશાયી થઈ ગયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના એક જ પરિવારની માતા અને તેમના ચાર માસૂમ બાળકો સહિત અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ અને ચિંતા ઊભી કરી છે.

પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા અને ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે મુખ્ય બે આરોપીઓના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરતાં હવે ગેરકાયદે ફેક્ટરીના સંચાલન, કેમિકલના સંગ્રહ, સલામતીના નિયમોના ભંગ અને અન્ય સંભવિત જવાબદારો અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસ, એફએસએલ અને અન્ય તપાસ એજન્સીઓ વિસ્ફોટનું ચોક્કસ કારણ, કેમિકલના સ્ત્રોત અને સમગ્ર ગેરકાયદે નેટવર્કની તપાસમાં વ્યસ્ત છે. તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વચ્ચે સંબંધિત તમામ દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE