જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં શ્રમિક યુવાન કમલેશ અરવિંદભાઈ વાઘેલાની જાહેરમાં થયેલી હત્યાના મામલે સમગ્ર વાલ્મિકી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા યોજાયેલી સભા બાદ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ જેતપુર ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ તંત્રને આવેદનપત્ર પાઠવી કેસની ઝડપી અને નિષ્પક્ષ તપાસ સાથે દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી.
પરિવારજનો અને સમાજના આગેવાનોનું કહેવું છે કે પોલીસ દ્વારા હત્યાનું પ્રાથમિક કારણ મૈત્રી કરાર સંબંધિત અદાવત દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તેમના મતે સમગ્ર ઘટનાની પાછળ અન્ય કોઈ ગંભીર કારણ અથવા રહસ્ય પણ હોઈ શકે છે. આથી સમગ્ર મામલાની તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, કણકીયા પ્લોટ વિસ્તારમાં રહેતા કમલેશ વાઘેલા બપોરના સમયે ઘરેથી બહાર નીકળ્યા હતા ત્યારે અગાઉથી આયોજન કરીને આવેલા આરોપી જયન વાઘેલાએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કમલેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી જયન વાઘેલા અને તેના સાથી ધ્રુવ નૈયાની ધરપકડ કરી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું છે કે આરોપી જયનને તેની માતા અને કમલેશ વચ્ચેના મૈત્રી કરાર સંબંધોને લઈને અદાવત હતી અને તે જ કારણસર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે પોલીસ અન્ય તમામ સંભવિત પાસાઓની પણ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું છે.
ઘટના બાદ યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં ગોંડલ, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાણાવાવ, બગસરા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી વાલ્મિકી સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ન્યાયની માંગ સાથે રેલી યોજી હતી.
આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ કેસની ઝડપી તપાસ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી અને કાયદા મુજબ દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. સાથે જ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જો અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.











