બોડેલીના ભગવાનભાઈ જોગરાણાની શાનદાર સિદ્ધિ: PSI ભરતીમાં રાજ્યભરમાં રેન્ક-2 મેળવી છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું

છોટાઉદેપુર: ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ભગવાનભાઈ રણછોડભાઈ જોગરાણાએ સમગ્ર રાજ્યમાં રેન્ક-2 મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે.

ભગવાનભાઈએ સતત મહેનત, શિસ્તબદ્ધ તૈયારી અને દૃઢ સંકલ્પ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હતી. તેમના અથાગ પરિશ્રમનું ફળ રાજ્યમાં બીજા ક્રમે સ્થાન મેળવીને મળ્યું છે. તેમની આ સિદ્ધિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.

તેમની સફળતાના સમાચાર મળતા પરિવારજનો, શિક્ષકો, મિત્રો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. અનેક સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને યુવા સંગઠનો દ્વારા ભગવાનભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

ભગવાનભાઈ જોગરાણાની આ સિદ્ધિ માત્ર તેમના પરિવારની નહીં પરંતુ સમગ્ર બોડેલી અને છોટાઉદેપુર જિલ્લાના ગૌરવની ક્ષણ બની છે. તેમની સફળતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા હજારો યુવાનોને વધુ આત્મવિશ્વાસ અને પ્રેરણા આપશે.

સમગ્ર બોડેલી શહેર અને છોટાઉદેપુર જિલ્લાના લોકો દ્વારા ભગવાનભાઈને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે અને તેમના સફળ પોલીસ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE