અમદાવાદ: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વિકાસ તરફ ઐતિહાસિક પગલું ભરતા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભાડજ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને અમદાવાદે વિશ્વવિક્રમ સર્જ્યો છે.
આ મહાઅભિયાન આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયું હતું, જેમાં લગભગ 76,000 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાનિક પ્રજાતિના રોપાઓનું સઘન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિશ્વવિક્રમ સર્જનાર આ અભિયાનમાં 25 હજારથી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અભિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે જોડાયેલું છે. આ મહાઅભિયાન અંતર્ગત સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો અને અમદાવાદ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ભાડજ ખાતે ગોતા-ગોધવી કેનાલ નજીક યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, મેયર, મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર સહિત રાજ્ય સરકાર અને AMCના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મિયાવાકી પદ્ધતિથી સ્થાનિક પ્રજાતિના અંદાજે 35 પ્રકારના રોપાઓનું એક જ સ્થળે એક કલાકમાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ હરિયાળો જંગલ ભવિષ્યમાં કાર્બન શોષણ, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, જૈવ વૈવિધ્યના સંવર્ધન, તાપમાન નિયંત્રણ તેમજ શહેરના હરિયાળા આવરણમાં નોંધપાત્ર વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ વિશ્વવિક્રમી અભિયાનમાં AMC ઉપરાંત BAPS સ્વામિનારાયણ સંસ્થા, CREDAI, ગુજરાત પોલીસ, NCC, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને હજારો નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો.
AMCએ જણાવ્યું હતું કે આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી, જનભાગીદારી અને ટકાઉ શહેરી વિકાસ માટે અમદાવાદની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે આગામી સમયમાં પણ આવા વિશાળ અભિયાનો સતત હાથ ધરવામાં આવશે.










