આપત્તિ સમયે ઝડપી બચાવ કામગીરી માટે સ્વયંસેવકોને આધુનિક ઇમરજન્સી કીટ; યોજનામાં 50 ટકા મહિલા ભાગીદારીનું લક્ષ્ય
ગાંધીનગર: કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સમયે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે **’યુવા આપદા મિત્ર સ્કીમ’**ને વધુ વેગ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં રહેલી આ યોજના અંતર્ગત રાજ્યના 17 જિલ્લાઓમાં પ્રથમ તબક્કામાં 4,526 યુવાનોને તાલીમ આપવામાં આવી છે.
સરકારે પ્રથમ તબક્કામાં 11,850 સ્વયંસેવકોને તાલીમ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આપત્તિ વ્યવસ્થાપનમાં મહિલાઓની સક્રિય ભાગીદારી વધે તે માટે યોજનામાં 50 ટકા મહિલા સ્વયંસેવકોનો સમાવેશ કરવાનો વિશેષ લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) દ્વારા વર્ષ 2016માં ભરૂચ જિલ્લામાં 200 સ્વયંસેવકો સાથે શરૂ કરાયેલી આ યોજના આજે રાજ્યવ્યાપી અભિયાનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. હાલમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, કચ્છ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, તાપી, નર્મદા, ખેડા, આણંદ અને અમરેલી સહિત કુલ 17 જિલ્લાઓમાં તેનો અમલ થઈ રહ્યો છે.
યોજનામાં 18થી 40 વર્ષની વયના સ્થાનિક અને શારીરિક-માનસિક રીતે સક્ષમ યુવાનોની પસંદગી કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં SDRF અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા 7 દિવસની પ્રાથમિક તાલીમ, જ્યારે બીજા તબક્કામાં SPIPA મારફતે અદ્યતન તાલીમ આપવામાં આવશે. અગાઉ યોજનાના અપગ્રેડેડ તબક્કા હેઠળ 5,500 સ્વયંસેવકોને 12 દિવસની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી.
તાલીમ પૂર્ણ કરનાર દરેક ‘આપદા મિત્ર’ને અંદાજે રૂ.10 હજારની ઇમરજન્સી રિસ્પોન્ડર કીટ (ERK) આપવામાં આવે છે. તેમાં લાઇફ જેકેટ, સોલાર ટોર્ચ, ફર્સ્ટ એઇડ કીટ, હેલ્મેટ, 50 મીટર લાંબું દોરડું સહિત કુલ 15 જરૂરી બચાવ સાધનોનો સમાવેશ થાય છે.
જિલ્લા કક્ષાએ અંદાજે રૂ.19 લાખની કિંમતની અદ્યતન EERR કીટ પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે, જેમાં ઇન્ફ્લેટેબલ રેસ્ક્યૂ બોટ, ચેઇન સો, સેટેલાઇટ GPS અને વોકી-ટોકી જેવા આધુનિક સાધનોનો સમાવેશ થાય છે.
યોજનામાં જોડાવા માટે ઉમેદવાર સંબંધિત જિલ્લાનો રહેવાસી અને ઓછામાં ઓછો ધોરણ-7 પાસ હોવો જરૂરી છે. જ્યારે ભૂતપૂર્વ સૈનિકો, નિવૃત્ત તબીબી કર્મચારીઓ અને સિવિલ એન્જિનિયરોને વયમર્યાદામાં વિશેષ છૂટછાટ આપવામાં આવે છે.
તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વયંસેવકોને પ્રમાણપત્ર, ઓળખપત્ર તેમજ ત્રણ વર્ષ માટે રૂ.5 લાખનું વીમા કવચ પણ આપવામાં આવે છે, જેથી આપત્તિના સમયે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે બચાવ કામગીરીમાં જોડાઈ શકે.










