ગાંધીનગર: ભગવાન જગન્નાથજીની આવનારી રથયાત્રાને લઈને રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજી સમગ્ર રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં રેન્જ આઈજી, તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
DGPએ ખાસ કરીને અમદાવાદ, ભાવનગર, ખંભાત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સતર્કતા રાખવા સૂચના આપી હતી. રથયાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક જિલ્લાને આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
બેઠક દરમિયાન સોશિયલ મીડિયા પર સતત અને સખત મોનિટરિંગ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અફવા, ભડકાઉ પોસ્ટ અથવા ગેરમાર્ગે દોરતી માહિતી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા DGPએ સ્પષ્ટ સૂચના આપી હતી.
શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સ્થાનિક શાંતિ સમિતિઓની બેઠકો યોજી તમામ સમાજના આગેવાનો સાથે સંકલન વધારવા પણ સૂચના આપવામાં આવી હતી.
કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં ટિયર ગેસ, લાઠીઓ, હેલ્મેટ સહિતના સુરક્ષા સાધનો તૈયાર રાખવા તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સજ્જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ડ્યૂટી પર રહેલા પોલીસ કર્મચારીઓ દ્વારા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ફરજિયાત કરવા પણ સૂચના આપવામાં આવી છે.
રથયાત્રાના રૂટ પર આવેલા વિસ્તારોના હિસ્ટ્રીશીટરો સાથે આગોતરી બેઠકો યોજી જરૂરી કાયદાકીય પગલાં લેવા તેમજ તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રથયાત્રાના સમગ્ર માર્ગ પર આવેલા જોખમી વીજવાયરો અને અન્ય સંભવિત જોખમોની ચકાસણી કરવા વીજ વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સંકલન સાધવા પણ રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી હતી.











