દારૂબંધી વચ્ચે ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરી યથાવત: રાજકોટ-મોરબીમાંથી લાખોનો જથ્થો ઝડપાયો

રાજકોટ: ગુજરાતમાં કડક દારૂબંધી અમલમાં હોવા છતાં રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી અટકવાનું નામ લેતી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ અને મોરબી જિલ્લામાં પોલીસે અલગ-અલગ કાર્યવાહીમાં લાખો રૂપિયાના વિદેશી દારૂ, વાહનો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરી અનેક બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક આરોપીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે જેતપુર તાલુકાના જીવણપરા ગામ પાસે ટ્રેક્ટર-ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ખાણામાંથી અંદાજે રૂ. 65 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં બાબુલાલ કેવલરામ સોલંકી, રાજુલ લક્ષ્મણભાઈ ગોહેલ અને સાગર ઘના પરમારની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ રૂ. 8.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. બે અન્ય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામની સીમમાં સ્થાનિક પોલીસે બે ટ્રકમાંથી અંદાજે રૂ. 54.47 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બંને ટ્રકો સહિત કુલ રૂ. 1.09 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ચાર શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામમાં તાલુકા પોલીસે એક વાડીમાં દરોડો પાડી અંદાજે રૂ. 29.47 લાખનો દારૂ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે નાથા હરજીભાઈ વાંજા અને અશ્વિન નાથાભાઈ વાંજાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત વાંકાનેર નજીક કોટડા નાયાણી ગામ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં કારચાલક વાહન છોડીને નાસી ગયો હતો. કારની તપાસમાં અંદાજે રૂ. 3.10 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કાર સહિત કુલ રૂ. 8.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વારંવાર મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ગેરકાયદે દારૂના નેટવર્ક, તેની સપ્લાય ચેઇન અને રાજ્યમાં પ્રવેશના માર્ગોને લઈને ફરી અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરી રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE