આંધ્રપ્રદેશમાં કોરોનાની ફરી એન્ટ્રીથી ચિંતા: કડપ્પામાં બે દર્દીનાં મોત, ચાર નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ

અમરાવતી: કોરોના મહામારી બાદ લાંબા સમયથી સ્થિતિ સામાન્ય રહી હતી, પરંતુ હવે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં કોવિડ-19ના નવા કેસો સામે આવતાં આરોગ્ય તંત્ર ફરી સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના સંક્રમણ બાદ બે દર્દીનાં મોત થયા છે, જ્યારે ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવા સંક્રમિત દર્દીઓમાં મોટાભાગે હળવા લક્ષણો જોવા મળ્યા હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે એક દર્દીની તબિયત વધુ બગડતાં તેને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું કે 28 જૂને તિરુપતિની હોસ્પિટલમાં દાખલ કરાયેલા 60 વર્ષીય દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે તેમને વેલ્લોરની વિશેષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. વિભાગના જણાવ્યા મુજબ તેઓ ડાયાબિટીસ અને કિડનીની ગંભીર બીમારીઓથી પણ પીડાતા હતા.

બીજા 43 વર્ષીય વ્યક્તિનું પણ કોરોના સંક્રમણ બાદ મોત થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જોકે તેમની અન્ય તબીબી વિગતો અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાઓ બાદ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેસ્ટિંગ અને સર્વેલન્સ વધુ સઘન બનાવ્યું છે. તપાસ દરમિયાન વધુ ચાર લોકો કોરોના પોઝિટિવ મળી આવતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘર-ઘર જઈ તપાસ, સંપર્કમાં આવેલા લોકોની ઓળખ અને જરૂરી આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગે લોકોને ગભરાવા નહીં પરંતુ સાવચેતી રાખવા, તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સલાહ લેવા અને જરૂરી આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE