ગુરુગ્રામમાં મધરાતે ગોળીબારથી ગુંજ્યો વિસ્તાર: દીપક નાંદલ ગેંગના 4 બદમાશ ઠાર, 3 પોલીસકર્મી ઘાયલ

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને કૂખ્યાત દીપક નાંદલ ગેંગ વચ્ચે થયેલા જોરદાર એન્કાઉન્ટરમાં ગેંગના ચાર બદમાશ માર્યા ગયા, જ્યારે એક શૂટર ગંભીર રીતે ઘાયલ થયો છે. ગોળીબાર દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે દીપક નાંદલ ગેંગના હથિયારધારી શૂટરો ગુરુગ્રામ વિસ્તારમાં છુપાયેલા છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશેષ ટીમ બનાવી સંદિગ્ધોની ઘેરાબંધી કરી હતી. પોલીસ નજીક પહોંચતાં જ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.

પોલીસે સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કરતાં બંને તરફથી ભારે ગોળીબાર થયો અને સમગ્ર વિસ્તાર ગોળીઓના અવાજોથી ધણધણી ઊઠ્યો. અથડામણ દરમિયાન ગેંગના ચાર શૂટર ઘટનાસ્થળે જ ઠાર થયા હતા, જ્યારે એક અન્ય શૂટરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા ત્રણેય પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી હથિયારો સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને ગેંગના અન્ય સભ્યોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE