પાર્સલ મારફતે મધ્યપ્રદેશ-રાજસ્થાનથી આવતો દારૂ ઝડપાયો, જૂનાગઢ સુધી પહોંચતી લિંકનો ખુલાસો
રાજકોટ: શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસે મેગા ડ્રાઇવ ચલાવી સતત 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 2300થી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 8થી વધુ આરોપીઓની ધરપકડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી બાદ દારૂ સપ્લાય કરનાર મુખ્ય નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલી ટ્રાવેલ્સ ઓફિસ બહારથી 13 પાર્સલ કબજે કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પાર્સલમાંથી 1,824 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મધ્યપ્રદેશના ઇન્દોરથી મોકલાયો હોવાનું અને જૂનાગઢના નામે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રેકેટની કડીઓ જોડવા પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.
બીજી કાર્યવાહીમાં બી. ડિવિઝન પોલીસે વેલનાથપરા વિસ્તારમાંથી એક રિક્ષામાંથી 384 દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં ખુલ્યું કે આ દારૂ રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હતો.
એલસીબી ઝોન-1ની ટીમે ઢેબર રોડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 96 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જોકે મુખ્ય આરોપી પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. અન્ય એક કાર્યવાહીમાં પણ એક શખ્સને દારૂની બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
થોરાળા પોલીસે અલગ-અલગ દરોડામાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આજીડેમ પોલીસે હુડકો ચોકડી નજીકથી બે શખ્સોને દારૂની બોટલો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં હવે પાર્સલ મારફતે દારૂ સપ્લાય કરતું નેટવર્ક, મુખ્ય બુટલેગરો અને તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.











