દેશના શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ : 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ થઈ બંધ

નીતિ આયોગનો ચોંકાવનારો ખુલાસો, દરરોજ સરેરાશ 25 શાળાઓ બંધ થઈ; ગ્રામીણ શિક્ષણ પર સંકટના વાદળ

નવી દિલ્હી: દેશની શાળાકીય શિક્ષણ વ્યવસ્થા અંગે નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલે ગંભીર ચિંતા ઉભી કરી છે. અહેવાલ મુજબ છેલ્લા દસ વર્ષમાં દેશભરમાંથી 94 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ અથવા વિલીનીકરણ કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થા પર તેની સીધી અસર જોવા મળી રહી છે.

નીતિ આયોગના ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા’ અહેવાલ અનુસાર વર્ષ 2014-15માં દેશમાં 11.07 લાખ સરકારી શાળાઓ હતી, જે હવે ઘટીને 10.13 લાખ પર પહોંચી છે. એટલે કે એક દાયકામાં સરેરાશ દરરોજ 25 જેટલી શાળાઓ શિક્ષણના નકશામાંથી ગાયબ થઈ ગઈ છે.

સરકારી સહાયિત શાળાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2014-15માં 83 હજાર સહાયિત શાળાઓ હતી, જે હવે 79 હજાર રહી ગઈ છે. બીજી તરફ ખાનગી શિક્ષણ ક્ષેત્રનો વ્યાપ સતત વધ્યો છે. છેલ્લા દસ વર્ષમાં ખાનગી શાળાઓની સંખ્યા 2.88 લાખથી વધીને 3.39 લાખ થઈ ગઈ છે.

અહેવાલમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે દેશભરમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. દસ વર્ષ પહેલા શાળાઓમાં 26.95 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે હવે ઘટીને 24.69 કરોડ પર આવી ગયા છે. એટલે કે કુલ 2.26 કરોડ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ છે.

નીતિ આયોગે આ સ્થિતિ પાછળ ઘટતો જન્મદર, ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓનું વિલીનીકરણ, તેમજ ઉચ્ચ ધોરણોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ છોડવાના વધતા પ્રમાણને જવાબદાર ગણાવ્યા છે. સરકારની ‘સ્કૂલ કન્સોલિડેશન’ નીતિ હેઠળ અનેક નાની શાળાઓને નજીકની મોટી શાળાઓમાં ભેળવી દેવામાં આવી છે.

જોકે શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ગામડાંઓમાં નજીકની શાળા બંધ થવાથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓ માટે શિક્ષણ સુધી પહોંચ વધુ મુશ્કેલ બની રહી છે. પરિણામે ડ્રોપઆઉટનું પ્રમાણ વધવાની શક્યતા નકારી શકાય નહીં.

રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. બંને રાજ્યોમાં મળીને આશરે 40 હજાર શાળાઓ બંધ અથવા મર્જ થઈ છે. આ પરિસ્થિતિ દેશના ગ્રામીણ શિક્ષણના ભવિષ્ય અંગે અનેક સવાલો ઉભા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE