જામજોધપુરમાં મેઘતાંડવ: 8 ઇંચ વરસાદ વચ્ચે પાણીના પ્રવાહમાં તણાયેલા બે બાળકોને યુવકોએ બચાવ્યા

જામજોધપુર: જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગત સાંજે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તાલુકાના વિવિધ ગામોમાં 7થી 8 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા અને રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો.

ખરાવાડ વિસ્તારમાં વરસાદ દરમિયાન પાણીના તેજ પ્રવાહમાં બે બાળકો તણાઈ જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, નજીકમાં હાજર રહેલા બે સ્થાનિક યુવકોએ પોતાની જાનની પરવા કર્યા વિના પાણીમાં ઝંપલાવી બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર કરાયેલા આ બહાદુરીભર્યા બચાવને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો બહાદુર યુવકોની હિંમત અને સમયસૂચકતાની પ્રશંસા કરી રહ્યા છે.

ભારે વરસાદને કારણે જામજોધપુર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરતાં લોકોને નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE