રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી છે. અનેક તાલુકાઓમાં 5થી 18 ઇંચ સુધી વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા, માર્ગો બંધ થયા અને જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે.
સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 18 ઇંચ નોંધાયો છે. જ્યારે કેશોદ અને માળીયા હાટીનામાં 17-17 ઇંચ, માણાવદરમાં 11 ઇંચ, માળીયામાં 10.30 ઇંચ, ભેસાણમાં 6 ઇંચ, તેમજ જૂનાગઢ, વંથલી અને વિસાવદરમાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સુત્રાપાડામાં 13 ઇંચ, કોડીનારમાં 6 ઇંચ અને તાલાલામાં 3.5 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ખેતીના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને નદી-નાળાઓમાં નવા નીરની આવક વધી છે.
માંગરોળ શહેરમાં ભારે વરસાદને કારણે સોસાયટીઓ, ઘરો અને બજારોમાં પાણી ઘૂસી ગયા હતા. લંબોરા ડેમ ઓવરફ્લો થતાં નોળી નદીમાં પૂર આવ્યું છે, જ્યારે શહેરને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. બંદર વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થતાં નુકસાન પણ થયું છે.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ દરમિયાન ખરાવાડ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં તણાયેલા બે બાળકોને સ્થાનિક યુવાનોએ બહાદુરીપૂર્વક બચાવી મોટી દુર્ઘટના ટાળી હતી.
રાજકોટ જિલ્લામાં 4 ઇંચ સુધી, પોરબંદરમાં 6 ઇંચ સુધી, અમરેલીમાં 2.5 ઇંચ સુધી, ભાવનગરમાં 1.5 ઇંચ સુધી અને બોટાદ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે. ઉપલેટાના ઢાંક વિસ્તારમાં દોઢ કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
અમરેલી, ભાવનગર અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ થતાં ખરીફ પાક માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ લોકોને નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.










