ફતેપુરા તાલુકામાં મલેરિયા-ડેન્ગ્યુ નિયંત્રણ માટે વ્યાપક ઝુંબેશ: તમામ સરપંચોને આરોગ્ય મંત્રીનો પત્ર સોંપાયો

ફતેપુરા: ચોમાસાની ઋતુ દરમિયાન મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનો ઉપદ્રવ ન વધે તે માટે ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ જનજાગૃતિ અને સર્વેલન્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને જિલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોરના માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુરેશ વી. આમલીયારના નેતૃત્વ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે.

ગામડાઓમાં સ્થાનિક સ્તરે જનજાગૃતિ વધે અને ગ્રામ પંચાયતો પણ વાહકજન્ય રોગોના નિયંત્રણમાં સક્રિય ભૂમિકા ભજવે તે હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો વિશેષ પરિપત્ર તાલુકાના તમામ ગામોના સરપંચોને રૂબરૂ સોંપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સરપંચોને રોગચાળાની રોકથામ માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.

ઘરે-ઘરે સર્વેલન્સ અને તપાસ

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તાલુકાના ગામો અને ફળિયાઓમાં ઘરે-ઘરે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વરસાદી પાણીનો ભરાવો દૂર કરાવવા સાથે મચ્છરોની ઉત્પત્તિના સ્થળોની ઓળખ કરી જરૂરી સફાઈ કરાવવામાં આવી હતી.

ટીમોએ માટલા, ટાયર, ફૂલદાની, ફ્રિજની પાછળની ટ્રે, કુલર, પાણીની ટાંકી, પીપ અને હોજ સહિત પાણી ભરાઈ રહે તેવી જગ્યાઓની તપાસ કરી હતી. જરૂરી સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ મચ્છરના પોરાનો નાશ કરવા પાણીના સ્રોતોમાં ‘ગપ્પી’ માછલીઓ છોડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.

લોકોને સાવચેત રહેવા અપીલ

આરોગ્ય કર્મચારીઓએ ગ્રામજનોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા, બહારગામથી આવતા લોકોની આરોગ્ય તપાસ કરાવવા તેમજ વાહકજન્ય રોગોના લક્ષણો અંગે જાગૃત કર્યા હતા. સાથે જ આરોગ્ય શિક્ષણ સંબંધિત માહિતીપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગે લોકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો ન થવા દેવા અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સહયોગ આપવા અપીલ કરી છે, જેથી મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE