ગીર સોમનાથમાં વરસાદી કહેર: વેરાવળમાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, અમરેલી હાઈવે બંધ

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ત્રીજા દિવસે પણ તોફાની બેટિંગ ચાલુ રાખી છે. જિલ્લામાં પડેલા અતિભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. સૌથી વધુ અસર વેરાવળમાં જોવા મળી, જ્યાં માત્ર 12 કલાકમાં 191 મી.મી. (આશરે 8 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે વેરાવળ–અમરેલી હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને અનેક માર્ગો પર પાણી ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું.

વેરાવળ શહેરના ગાંધીચોક સહિતના મુખ્ય બજારો, માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં લોકોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.

ભારે વરસાદ વચ્ચે શહેરના આઇકોનિક રોડની હાલત પણ સામે આવી હતી. નમસ્તે સર્કલથી ટાવર ચોક સુધીના માર્ગ પર ઊંડા ખાડામાં એસટી બસ ફસાઈ ગઈ હતી. નવાપરા ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાતા ખાદ્યસામગ્રી ભરેલું વાહન પલટી જતાં માલસામાનને નુકસાન થયું હતું.

ભારે વરસાદના કારણે દેવકા નદીમાં નવા નીરની આવક થતાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જિલ્લાના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોકે, લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે અને ખરીફ પાક માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

હવામાન વિભાગે ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રાખ્યું છે. આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને ઊંચા મોજાંની આગાહીને પગલે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયામાં રહેલી બોટોને નજીકના બંદરો પર પરત ફરવાની સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે.

જિલ્લામાં નોંધાયેલ વરસાદ (સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી):

  • વેરાવળ: 191 મી.મી. (8 ઇંચ)
  • સુત્રાપાડા: 92 મી.મી. (4 ઇંચ)
  • તાલાલા: 53 મી.મી. (2 ઇંચ)
  • કોડીનાર: 46 મી.મી.
  • ગીરગઢડા: 18 મી.મી.
  • ઊના: 8 મી.મી.

જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE