ઉપલેટા પંથકમાં મેઘતાંડવ: લાઠ બેટમાં ફેરવાયું, મજેઠી-ભીમોરા રોડના ડાયવર્ઝન ધોવાતાં વાહનવ્યવહાર બંધ

વેણુ-2 ડેમમાં 1,722 ક્યુસેક પાણીની આવક, બે દરવાજા ખોલાયા; ગધેથડ, નીલખા, નાગવદર સહિત પાંચ ગામોને એલર્ટ

ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં તાલુકામાં કુલ 67 મીમી (2.64 ઇંચ) વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બપોરે 12થી 2 દરમિયાન 24 મીમી અને 2થી 4 દરમિયાન વધુ 25 મીમી વરસાદ વરસતાં માત્ર ચાર કલાકમાં જ ભારે વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદના કારણે લાઠ, ભીમોરા અને કુંઢેચ સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. લાઠ ગામ ચારેબાજુ પાણીથી ઘેરાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સમઢીયાળા-મજેઠી-લાઠ-ભીમોરા માર્ગ પર નવા પુલનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલા હંગામી ડાયવર્ઝન ઉપરવાસના પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયા છે. મજેઠી અને ભીમોરા તરફના બંને ડાયવર્ઝન તૂટી જતાં વહીવટી તંત્રએ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને અનેક ગામોનો સંપર્ક ખોરવાયો છે.

લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહે તંત્ર સમક્ષ તાત્કાલિક વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ભારે વરસાદને કારણે વેણુ-2 ડેમમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલના જણાવ્યા મુજબ, 55 મીટરની પૂર્ણ સપાટી ધરાવતો ડેમ હાલ 54.01 મીટર સુધી ભરાયો છે. ડેમમાં 1,722 ક્યુસેક પાણીની આવક થતાં જળસ્તર નિયંત્રિત રાખવા માટે રાત્રે 10:15 કલાકે બે દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે અને નદીમાં 1,428 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ડેમમાંથી પાણી છોડાતા વેણુ નદીના હેઠવાસમાં આવેલા ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર અને નીલખા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને નદીના પટમાં ન જવા અને જરૂરી સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઉપલેટા શહેરમાં પણ સતત બીજા દિવસે ભારે વરસાદ વરસતા જીરાપા પ્લોટ, ઢેબરનગર, ભીમનગર, ભાદર ચોક, કટલેરી બજાર, બસ સ્ટેન્ડ રોડ, ત્રણ કમાન અને શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તાલુકાના ઈસરા, નીલખા, મુરખડા, વાડલા અને ડુમિયાણી સહિતના ગામોમાં પણ જોરદાર વરસાદ નોંધાયો હતો.

સતત વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે. સાથે જ મગફળી, કપાસ અને સોયાબીન સહિતના ખરીફ પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE