રાજકોટ: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સતત મહેર બાદ જળાશયોમાં પણ જીવંતતા જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના પાંચ સહિત સૌરાષ્ટ્રના કુલ 9 ડેમોમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક નોંધાઈ છે. સતત વધી રહેલા જળસ્તરને પગલે પાંચ ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મોજ ડેમમાં 4.72 ફૂટ, ફોફળ ડેમમાં 1.48 ફૂટ, વેણુ-2 ડેમમાં 6.63 ફૂટ, સોડવદર ડેમમાં 9 ફૂટ અને કરખાળ ડેમમાં પોણો ફૂટ નવા પાણીની આવક થઈ છે. ઉપરાંત ડેમી-1માં 0.33 ફૂટ, ફોફળ-2માં 0.36 ફૂટ, ફુલઝર (કો.બા.)માં 9.25 ફૂટ અને ઉમીયા સાગરમાં 10.17 ફૂટ નવા નીર પહોંચ્યા છે.
સતત વરસી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રના વિવિધ જળાશયોમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે. હાલ ઉપલેટાનો વેણુ-2 ડેમ 78.48 ટકા, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાનો વંસલ ડેમ 77.08 ટકા, ભાવનગર જિલ્લાના ઉમરાળાનો રંઘોળા ડેમ 75.60 ટકા, પોરબંદરના કુતિયાણાનો સારણ ડેમ 73.37 ટકા તેમજ જૂનાગઢ જિલ્લાના માણાવદરનો બાટવા-ખારો ડેમ 70.96 ટકા ભરાઈ ગયો છે. આ ડેમોના કેચમેન્ટ વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની અસર માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી છે. રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હેઠળના બે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવો પડ્યો હતો. જોકે, વરસાદ વચ્ચે પણ જાહેર પરિવહન સેવા પર ખાસ અસર જોવા મળી નથી.
એસટી તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં 382 રૂટ પર 1,071 ટ્રિપ, મોરબી જિલ્લામાં 176 રૂટ પર 573 ટ્રિપ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 369 રૂટ પર 938 ટ્રિપનું નિયમિત સંચાલન કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ડેમોમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નદી-નાળા તથા કેચમેન્ટ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.










