ફતેપુરાના ઉખરેલી રોડ પર વરસાદી પાણીના ભરાવાથી 1000થી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં: તંત્રની લાપરવાહી સામે ભારે રોષ

ચોમાસાના આગમન સાથે જ ફતેપુરાના કરોડિયા ગ્રામ પંચાયત હેઠળ આવતા ઉખરેલી રોડ પર ગંભીર સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ મુખ્ય માર્ગ ‘બેટ’માં ફેરવાઈ ગયો છે.જેના કારણે સ્થાનિકો, વાહનચાલકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં મુકાયું છે.

સમસ્યાની ગંભીરતા:
વિદ્યાર્થીઓની હાલાકી: આ માર્ગ પર આઈ.કે. દેસાઈ સ્કૂલ, કોમલ વિદ્યાલય, આર્ટસ કોલેજ અને આઈ.ટી.આઈ. આવેલી છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવરજવર કરવામાં ભારે હાલાકી અનુભવી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ ભીના કપડે શાળા-કોલેજ જવા મજબૂર બન્યા છે.

જોખમી સ્થિતિ: માત્ર સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો જળમગ્ન થઈ જાય છે. ઘૂંટણસમા પાણીમાં વાહનચાલકો અને રાહદારીઓ માટે પસાર થવું અત્યંત જોખમી બન્યું છે. જેના કારણે અકસ્માતની ભીતિ સતત રહે છે.

તંત્રની ઉદાસીનતા: સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા લાંબા સમયથી છે, છતાં કરોડિયા ગ્રામ પંચાયત અને જવાબદાર સત્તાધીશો દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી.

રસ્તા પર ભરાતા પાણીને કારણે જનતામાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે કે, તાત્કાલિક અસરથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને જનતાને આ આફતમાંથી મુક્તિ અપાવવામા આવે.

જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો સ્થાનિકો દ્વારા આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

રિપોર્ટર :યાસીર ગુડાલા, ફતેપુરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE