મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનની સંયુક્ત મિલિટરી કમાન્ડે શનિવારે જાહેરાત કરી છે કે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને ફરી એકવાર બંધ કરી દેવામાં આવી છે. ઈરાને આ કડક પગલા પાછળ લેબનાનમાં ઈઝરાયેલ દ્વારા ચાલુ રાખવામાં આવેલા હુમલા અને અમેરિકાની “બદનિયત” ને જવાબદાર ઠેરવી છે. ઈરાનનો આરોપ છે કે, અમેરિકા યુદ્ધ ખતમ કરવાના પોતાના વાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે. સરકારી ટેલિવિઝન પર જારી કરાયેલા નિવેદનમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો આ આક્રમકતા ચાલુ રહેશે. તો આગામી સમયમાં આનાથી પણ વધુ કડક પગલાં લેવામાં આવશે.
અમેરિકા પર કરાર ભંગનો આરોપ
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાહેઈએ સંકેત આપ્યા છે કે, જ્યાં સુધી ઈરાનને એવો ભરોસો નહીં બેસે કે અમેરિકા કરારનું પાલન કરી રહ્યું છે. ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં થાય. તેમણે ઉમેર્યું કે:
“અંતિમ કરાર માટેની વાતચીત ત્યારે જ આગળ વધશે. જ્યારે લેબનાનમાં ચાલી રહેલી લડાઈને રોકવા સહિતના મુખ્ય વાયદાઓ પૂરા કરવામાં આવશે. જો આ સમજૂતીના કોઈ પણ ભાગનો અમલ નહીં થાય, તો સમગ્ર કરાર જોખમમાં આવી જશે.”
લેબનાનમાં ઈઝરાયેલી હુમલામાં 16 ના મોત
નોંધનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે એક વચગાળાની સમજૂતી થઈ હતી. જેના આધારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર ફરી શરૂ કરવામાં આવી હતી. જો કે, શનિવારે સીઝફાયર (યુદ્ધવિરામ)ના સમાચારો આવ્યાના ગણતરીના કલાકોમાં જ ઈઝરાયેલે દક્ષિણ લેબનાન પર ભીષણ હુમલો કરી દીધો. આ હુમલામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આ સતત થઈ રહેલી લડાઈના કારણે અમેરિકા-ઈરાન વચ્ચેના વચગાળાના કરાર પર સંકટના વાદળો ઘેરાયા છે.
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહના એકબીજા પર આક્ષેપો
-
ઈઝરાયેલનો દાવો: ઈઝરાયેલી સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, હિઝબુલ્લાહે રાતોરાત દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલી સૈન્ય પર 50થી વધુ પ્રોજેક્ટાઈલ (રોકેટ) દાગ્યા હતા. જેના જવાબમાં સેનાએ હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટરો અને રોકેટ લોન્ચિંગ સાઇટ્સને નિશાન બનાવ્યા છે. વૉશિંગ્ટનમાં ઈઝરાયેલના રાજદૂત યેચિએલ લીટરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, જો હિઝબુલ્લાહ હુમલા બંધ કરે તો ઈઝરાયેલ તત્કાલ યુદ્ધવિરામ માટે તૈયાર છે.
-
હિઝબુલ્લાહનો પલટવાર: બીજી તરફ, શનિવારે હિઝબુલ્લાહે સ્પષ્ટ કર્યું કે, તેઓ યુદ્ધવિરામનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ હતા. પરંતુ ઈઝરાયેલે શુક્રવાર રાતથી જ અનેકવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હિઝબુલ્લાહની સૈન્ય પાંખે જણાવ્યું કે, તેઓ સીઝફાયર માનશે. પરંતુ જો ઈઝરાયેલી સૈનિકો હુમલો કરશે તો તેનો જડબાતોડ જવાબ પણ આપવામાં આવશે.
Post Views: 0











