રાજકોટમાં મિલકતવેરા વસુલાત રૂ.195 કરોડને પાર, 2.94 લાખથી વધુ કરદાતાઓએ લીધો વળતર યોજનાનો લાભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે શરૂ કરાયેલી મિલકતવેરા અને પાણી વેરાની વળતર યોજનાને શહેરમાં સારો પ્રતિસાદ મળ્યો છે. મનપાની જાહેર કરાયેલ માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ રૂ.195.33 કરોડની વસુલાત થઈ ચૂકી છે. જે ગત વર્ષની સરખામણીએ રૂ.6.13 કરોડ વધુ છે.

મનપા દ્વારા તા.07 એપ્રિલ 2026થી વળતર યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ઝોનવાર આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં રૂ.62.75 કરોડ, વેસ્ટ ઝોનમાં રૂ.92.73 કરોડ અને ઈસ્ટ ઝોનમાં રૂ.39.85 કરોડની વસુલાત નોંધાઈ છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ.189.20 કરોડની વસુલાત થઈ હતી. જ્યારે આ વર્ષે આંકડો રૂ.195 કરોડને પાર પહોંચ્યો છે.

વેરા ભરપાઈ કરનાર કરદાતાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષે કુલ 2,83,825 કરદાતાઓએ વેરો ભર્યો હતો. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 2,94,329 કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો છે. એટલે કે કુલ 10,504 કરદાતાઓનો વધારો નોંધાયો છે.

મનપા દ્વારા હાલ 31 મે 2026 સુધી સામાન્ય કરદાતાઓને 10 ટકા ડિસ્કાઉન્ટ અને મહિલા મિલકતધારકોને 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન સુધી સામાન્ય કરદાતાઓને 5 ટકા અને મહિલાઓને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

મહત્વપૂર્ણ છે કે તા.28 મેના રોજ બકરી ઈદની જાહેર રજા તેમજ તા.31 મેના રોજ રવિવાર હોવાના કારણે સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસોમાં વસુલાત કામગીરી બંધ રહેશે. જોકે આ દિવસોમાં પણ કરદાતાઓ ઓનલાઈન માધ્યમથી મિલકતવેરો ભરી શકશે.રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના તમામ મિલકતધારકોને તા.31 મે પહેલાં વળતર યોજનાનો લાભ લઈ મિલકતવેરો ભરવા અપીલ કરી છે.

Leave a Comment

READ MORE

READ MORE