ફતેપુરા નગરમાં મુસ્લિમ ઘાંચી સમાજના કબરસ્તાન અને ફતેપુરા તળાવની જમીન પર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ડમ્પિંગ યાર્ડના કારણે સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંભીર જનહિતના પ્રશ્ન અંગે મુસલમાન ઘાંચી સમાજ પંચ અને મુસલમાન વક્ફ ટ્રસ્ટ, ફતેપુરા દ્વારા માનનીય મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ફતેપુરાને એક લેખિત આવેદનપત્ર પાઠવી ડમ્પિંગ યાર્ડનો કચરો સાફ કરવા તેમજ આ સ્થળ તાકીદે બદલવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
કબરસ્તાનની પવિત્રતા જોખમાઈ, ધાર્મિક લાગણી દુભાઈ
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ફતેપુરા તળાવની જમીન પર કબરસ્તાનની બિલકુલ સામે જ ગ્રામ પંચાયત ફતેપુરા, કરોડીયાપૂર્વ તથા કાળીયા વલુંડા ગ્રામ પંચાયત દ્વારા પોતાના વિસ્તારનો તમામ કચરો ઠાલવવામાં આવે છે. એટલું જ નહીં, આ જગ્યાએ મરેલા પશુઓ અને જાનવરો પણ નાખવામાં આવતા હોવાથી ૨૪ કલાક અસહ્ય દુર્ગંધ ફેલાયેલી રહે છે.
પવનના કારણે કચરો ઉડીને કબરસ્તાનની અંદર અને કોટની આસપાસ જમા થાય છે. મુસ્લિમ સમાજમાં જ્યારે મરણના પ્રસંગે મૈયતને દફનવિધિ માટે તેમજ દરરોજ ઝિયારત અને ઇદ જેવા પવિત્ર તહેવારોએ મોટી સંખ્યામાં લોકો કબરસ્તાન ખાતે જાય છે. ત્યારે આ ગંદકી અને અસહ્ય દુર્ગંધના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને તેમની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.
મહત્વના સરકારી માર્ગો અને સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રભાવિત
આ ડમ્પિંગ યાર્ડ અને કબરસ્તાનની વચ્ચેથી જ ફતેપુરા સિવિલ કોર્ટ, મ.ગુ.વિ.નિ. કચેરી, વિજ્ઞાન પ્રવાહની ધોરણ-11 અને 12ની સરકારી શાળા તરફ જતો બાયપાસ રોડ પસાર થાય છે. આ રસ્તો ઝાલોદ અને બલેયા ગામ તરફ પણ જોડાય છે. રોડ ઉપર જ ગ્રામ પંચાયતના ટ્રેક્ટરો આડેધડ કચરો ઠાલવી જતા હોવાથી આખો રસ્તો કચરાથી ભરાઈ ગયો છે. દૈનિક ધોરીમાર્ગ પરથી પસાર થતા હજારો મુસાફરો, વાહનચાલકો, સરકારી કર્મચારીઓ અને શાળાએ જતા નિર્દોષ વિદ્યાર્થીઓને આ નરકાગારમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે.
સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
આવેદનપત્રમાં કાયદાકીય મુદ્દો ઉઠાવતા જણાવાયું છે કે, નામદાર સરકારશ્રીના મહેસૂલ વિભાગના પરિપત્ર અને જમીન મહેસૂલ કાયદા મુજબ, તળાવની જમીનનો ઉપયોગ તળાવ સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકાતો નથી. આમ છતાં, ત્રણેય ગ્રામ પંચાયતો દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે તળાવની જમીન પર ડમ્પિંગ યાર્ડ બનાવી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
તંત્ર સમક્ષ વચગાળાના ઉકેલની માગણી
હાલ આ ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી તળાવ પણ પુરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યાં સુધી નવી સરકારી જમીનમાં કાયમી ડમ્પિંગ યાર્ડ મંજૂર ન થાય, ત્યાં સુધી વચગાળાના ઉકેલ તરીકે નીચે મુજબના પગલાં લેવા માગ કરવામાં આવી છે:
હાલના ડમ્પિંગ યાર્ડનો તમામ કચરો ઝાલોદ અથવા સંતરામપુર નગરપાલિકા વિસ્તારના ડમ્પિંગ યાર્ડ ખાતે ખસેડી સંપૂર્ણ સાફ-સફાઈ કરાવવી.ત્યારબાદ આ જગ્યા પર ઊંડો ખાડો ખોદી, કચરો તેમાં નાખી ટ્રેક્ટર જઈ શકે તેવો કામચલાઉ રસ્તો બનાવવો જેથી કચરો બહાર રોડ પર ન ફેલાય અને દુર્ગંધ ઓછી થાય.
સંયુક્ત મીટિંગ બોલાવી કાયમી નિકાલ કરવા વિનંતી
મુસલમાન ઘાંચી સમાજના પ્રમુખ અબ્દુલરઝાક ગુલામમહંમદ પટેલ અને ઉપ-પ્રમુખ ઇદરીસ અહેમદ ગુડાલાની સહી સાથે પાઠવવામાં આવેલા આ આવેદનપત્રમાં તાલુકા કક્ષાના અધિકારીઓને રૂબરૂ ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તથા તલાટી-કમ-મંત્રીશ્રીઓની એક સંયુક્ત મીટિંગ બોલાવી આ ગંભીર પ્રશ્નનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર :યાસીર ગુડાલા, દાહોદ
Post Views: 47













