પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ માંથી ફરી લીધો સંન્યાસ! એડવાન્સ ફી પણ ચૂકવી દીધી પરત? જાણો શું છે સમગ્ર મામલો

‘હેરા ફેરી 3’ની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરેશ રાવલે એકવાર ફરી આ ફિલ્મથી અંતર બનાવી લીધું છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે પરેશ રાવલ અને ફિલ્મના મેકર્સ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે, પરંતુ હવે નવી ચર્ચા એ છે કે પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ છોડી દીધી છે. એટલું જ નહીં, અભિનેતાએ પ્રોડ્યુસર્સને મળેલી એડવાન્સ ફી પણ પાછી આપી દીધી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવ્યા બાદ પરેશ રાવલના ચાહકો ભારે ચિંતામાં મુકાયા છે.

વ્યાજ સાથે એડવાન્સ ફી પરત કરી

બોલિવૂડ હંગામાના તાજા અહેવાલ મુજબ, પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ના મેકર્સને સાઇનિંગ અમાઉન્ટ 15 ટકા વ્યાજ સાથે પરત કરી દીધી છે. રિપોર્ટ્સનું માનીએ તો, આ ફિલ્મ માટે પરેશ રાવલની કુલ ફી 15 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જોકે, શરત એવી હતી કે તેમને શરૂઆતમાં માત્ર થોડી જ રકમ મળવાની હતી અને બાકીના 14.89 કરોડ રૂપિયા ફિલ્મ રિલીઝ થયાના એક મહિના પછી ચૂકવવામાં આવનાર હતા. પરેશ રાવલ આ ડીલથી ખુશ નહોતા, કારણ કે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે. આ સંજોગોમાં તેમને પોતાની પૂરી ફી મેળવવા માટે લગભગ 2 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડે તેમ હતી.

અક્ષય કુમારે પણ આપ્યો સંકેત

ફીના આ વિવાદને કારણે અભિનેતાએ એડવાન્સ રકમ પાછી આપીને ફિલ્મમાંથી કિનારો કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ બાબતે હજુ સુધી મેકર્સ કે પરેશ રાવલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી કે તેઓ હવે આ ફિલ્મનો ભાગ છે કે નહીં. બીજી તરફ, તાજેતરમાં જ અક્ષય કુમારે પણ શુભંકર મિશ્રાને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ મુદ્દે વાત કરી હતી. અક્ષય કુમારે સ્પષ્ટ કર્યું હતું કે ‘હેરા ફેરી 3’ હાલ પૂરતી બનવાની નથી. બધું સરખું કરવા માટે થોડા ‘મંત્ર’ ભણવા પડશે, એટલે કે હજુ ઘણી અડચણો દૂર કરવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE