સુકાની શ્રેયસ અય્યરનું વિસ્ફોટક પ્રદર્શન: 51 બોલમાં ઐતિહાસિક સદી, IPL ઈતિહાસમાં પ્રથમ વખત

IPL 2026ની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંની એકમાં, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે એક એવી તોફાની ઇનિંગ રમી જેણે માત્ર તેની ટીમને જીત જ અપાવી નહી, પરંતુ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં તેનું નામ સુવર્ણ અક્ષરોએ લખાવી દીધું. લખનૌ સુપર જાયન્ટ્સ સામેના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા, શ્રેયસે એક એવી ઇનિંગ રમી જે IPL ફેન્સ લાંબા સમય સુધી યાદ રાખશે. નોંધનીય છે કે, આ ઇનિંગ સાથે એક એવો રેકોર્ડ પણ બન્યો જે આજ સુધી કોઈ કેપ્ટન કરી શક્યો નથી.

લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સ સામે જીતવા માટે મોટો સ્કોર હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 22 રનમાં જ બે વિકેટ પડી ગઈ હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેપ્ટન શ્રેયસ અય્યરે જવાબદારી સંભાળી અને આક્રમક બેટિંગ કરતા માત્ર 51 બોલમાં 101 રન ફટકારી દીધા. તેણે પોતાની આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા.

IPLમાં રચાયો નવો ઇતિહાસ

આ સદી સાથે શ્રેયસ અય્યર IPL ઇતિહાસમાં નંબર 4 અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતા સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ પહેલા IPLમાં કેપ્ટન તરીકે 16 વખત સદી નોંધાઈ ચૂકી છે, પરંતુ તે તમામ બેટ્સમેનોએ ટોપ-3 (પ્રથમ ત્રણ ક્રમ) માં બેટિંગ કરતા આ સિદ્ધિ મેળવી હતી.

એટલું જ નહીં, શ્રેયસ IPLમાં રન ચેઝ (લક્ષ્યનો પીછો) કરતી વખતે સદી ફટકારનાર ચોથો કેપ્ટન પણ બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર સંજુ સેમસન, વિરાટ કોહલી અને વિરેન્દ્ર સેહવાગના નામે જ હતી. જો કે, પંજાબ કિંગ્સ માટે લક્ષ્યનો પીછો કરતી વખતે સદી ફટકારનાર તે પ્રથમ કેપ્ટન બન્યો છે. આ અગાઉ PBKSના કેપ્ટન તરીકે માત્ર કેએલ રાહુલ અને એડમ ગિલક્રિસ્ટે જ સદી ફટકારી હતી, પરંતુ તે બંનેએ પ્રથમ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

પ્લેઓફની આશા મજબૂત થઈ

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ મોટા લક્ષ્યોનો પીછો કરવામાં સતત સફળ રહી છે. તેના આવ્યા પછી, ટીમે સાત વખત 190 થી વધુ રનના ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યા છે. અને ખાસ વાત એ છે કે, શ્રેયસે આ તમામ મેચોમાં અડધી સદી ફટકારી છે. પરંતુ લખનૌ સામેની આ ઇનિંગ કદાચ સૌથી ખાસ હતી, કારણ કે ટીમ ભારે દબાણમાં હતી અને તેમની પ્લેઓફની આશાઓ દાવ પર હતી.

મેચ પૂરી થયા બાદ શ્રેયસ અય્યરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ સદી યોગ્ય સમયે આવી છે. તેણે કહ્યું, “હું અત્યંત ખુશ છું. આ મારી પ્રથમ IPL સદી હતી અને તે ત્યારે આવી જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. સતત છ હાર બાદ જીત મેળવવી એ એક અદભુત અહેસાસ છે. જ્યારે તમે મેચ ફિનિશ કરો છો અને સદી બનાવો છો, ત્યારે તે કોઈપણ બેટ્સમેન માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે.” તેણે વધુમાં ઉમેર્યું કે, હવે તેનું ધ્યાન મુંબઈ ઈન્ડિયન્સ સામેની આગામી મેચ પર રહેશે. કારણ કે પંજાબ કિંગ્સની પ્લેઓફની આશાઓ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE