કાયદા શિક્ષણ ક્ષેત્રે દાહોદ ત્રિવેણી કેમ્પસનો દબદબો: વિદ્યાર્થીઓની મહેનત અને પ્રોફેસરોના માર્ગદર્શનથી સંસ્થાએ મેળવી ઐતિહાસિક સિદ્ધિ

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ઇન્દુભાઈ શેઠ લો કોલેજ, દાહોદ દ્વારા અત્યંત હર્ષ અને ગૌરવ સાથે જાહેર કરવામાં આવ્યું છે કે સંસ્થાના કાયદા અભ્યાસક્રમોના યુનિવર્સિટી પરીક્ષાના પરિણામો દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યંત ઉત્કૃષ્ટ અને ઝળહળતા રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં સંસ્થાના એલ.એલ.બી. (LL.B.) અભ્યાસક્રમનું પરિણામ ૯૨% અને એલ.એ.લએમ. (LL.M.) અભ્યાસક્રમનું પરિણામ ૧૦૦% નોંધાયું છે. આ ભવ્ય અને ઐતિહાસિક પરિણામો સંસ્થાની ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા, સુવ્યવસ્થિત આયોજન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ પૂરું પાડે છે.

વિદ્યાર્થીઓના અવિરત પરિશ્રમની સાથે દાહોદના પ્રખ્યાત ત્રિવેણી કેમ્પસના ડાયરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ ભુતાના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ આ સફળતા પ્રાપ્ત થઈ છે. આ કેમ્પસ અંતર્ગત કાર્યરત જે. એન્ડ. આર. કોલેજ ઑફ એજ્યુકેશન (બી.એડ.), શેઠ શ્રી ગિરધરલાલ મહિલા અધ્યાપન મંદિર (પી.ટી.સી. કોલેજ) તથા શ્રી ઇન્દુભાઈ શેઠ લો કોલેજના સંયુક્ત શૈક્ષણિક વાતાવરણ, આચાર્યશ્રી, અનુભવી અધ્યાપક વર્ગ તેમજ ઓફિસ સ્ટાફના સમર્પિત માર્ગદર્શન અને સતત સહયોગના કારણે જ આ ગૌરવમય સિદ્ધિ મેળવવામાં સફળતા સાંપડી છે.

વિશેષરૂપે, કેળવણી મંડળ અને સંસ્થાના હોદ્દેદારોના કુશળ વહીવટ, સતત પ્રેરણા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતાએ સમગ્ર શિક્ષણ સંકુલને એક નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ ભવ્ય સફળતાએ સમગ્ર જિલ્લા અને કાયદા શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની આગવી અને પ્રતિષ્ઠિત ઓળખને વધુ મજબૂત અને પ્રસ્થાપિત કરી દીધી છે. ભવિષ્યમાં પણ સંસ્થાના સશક્ત અને કુશળ માર્ગદર્શન હેઠળ લો કોલેજ શૈક્ષણિક જગતમાં સતત નવી સિદ્ધિઓ હાંસલ કરતી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ સંસ્થા પરિવારે વ્યક્ત કરી છે. લો કોલેજના આચાર્યશ્રી ડૉ. હિમાંશુભાઈ પરમાર અને ડૉ. તન્વીબેન પટેલે એક અખબારી યાદીમાં આ તમામ વિગતો આપતા ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે.

રિપોર્ટર: યાસીર ગુડાલા,દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE