સફાઈના બહાને ઘરમાં પ્રવેશી દાગીના અને રોકડની ચોરી કરતા હતા; ક્રાઈમ બ્રાન્ચે ₹2.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદ: સોશિયલ મીડિયા દ્વારા હાઉસ ક્લીનિંગ સર્વિસની જાહેરાત આપી લોકોના ઘરોમાં પ્રવેશીને ચોરી કરતી એક શાતિર ટોળકીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. વાડજ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાની તપાસ દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી ₹2.88 લાખનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા લગભગ છ મહિનાથી ઇન્સ્ટાગ્રામ પર હાઉસ ક્લીનિંગ સર્વિસની જાહેરાતો મૂકી ગ્રાહકોનો વિશ્વાસ જીતતા હતા. સફાઈ કરવા ઘરમાં પહોંચ્યા બાદ તેઓ કિંમતી દાગીના, રોકડ અને અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ પર નજર રાખતા અને યોગ્ય તક મળતાં ચોરી કરીને ફરાર થઈ જતા હતા.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ સુશીલ ઠાકોર, લોકેશ ઠાકોર, મહેન્દ્ર ઠાકોર અને જયેશ ઠાકોર તરીકે થઈ છે. સઘન પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓએ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને વિદેશી ચલણની ચોરી સહિતના બે ગુનાઓ કબૂલ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી કુલ ₹2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી સર્વિસ અથવા જાહેરાતોના આધારે કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપતા પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી અવશ્ય કરે.










