BSFને પેટ્રોલિંગ દરમિયાન બકલ બેટ વિસ્તારમાં મળી આવ્યું કન્ટેનર; અંદરથી હાઇડ્રોલિક પંપ મળી આવ્યો
ભુજ: કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સરહદી બકલ બેટ વિસ્તારમાં અમેરિકન નેવી સાથે સંબંધિત હોવાનું માનવામાં આવતું એક કન્ટેનર મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાને પગલે BSF, એરફોર્સ અને અન્ય સંબંધિત એજન્સીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
માહિતી અનુસાર, BSFના જવાનો સરહદી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બકલ બેટ નજીક એક શંકાસ્પદ કન્ટેનર જોવા મળ્યું હતું. કન્ટેનરને કબજામાં લઈને તપાસ કરવામાં આવતા તેની અંદરથી હાઇડ્રોલિક પંપ મળી આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કન્ટેનર દરિયાઈ માર્ગે તણાઈને અહીં પહોંચ્યું છે કે અન્ય કોઈ સંજોગોમાં સરહદી વિસ્તારમાં આવ્યું છે તે અંગે સુરક્ષા એજન્સીઓ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાના દૃષ્ટિકોણથી સીલ કરીને ટેક્નિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, કન્ટેનરની ઉત્પત્તિ, માલિકી અને તેમાં રહેલી સામગ્રી અંગે સઘન તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.











