સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના રહેવાસી શ્રી હઠીલા મલાભાઈ વીરસિંગભાઈના મકાનમાં તારીખ ૧૯/૦૫/૨૦૨૬, મંગળવારના રોજ મોડી રાત્રે આશરે 2:00 વાગ્યાની આસપાસ અચાનક વીજળીના શોર્ટ સર્કિટ (લાઈટના ફોલ્ટ)ના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આખો પરિવાર આબાદ બચી ગયો હતો, પરંતુ ઘરવખરી અને પશુધન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.
મોટું નુકસાન: પશુઓ જીવતા ભૂંજાયા
આગ એટલી ભયાનક હતી કે પશુઓને બચાવવાનો મોકો પણ ન મળ્યો. આ અકસ્માતમાં:
૨ બળદ, ૧ ગાય, ૧ નાની વાછરડી અને ૧ વછેરો આગની ઝપેટમાં આવી જતાં ઘટનાસ્થળે જ કાળી ચૌદશ જેવા દ્રશ્યો વચ્ચે મોતને ભેટ્યા હતા.
ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, ચાંદલાની નોટો (રૂપિયા) તેમજ ઘરના અગત્યના તમામ કાગળો અને દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે.
સ્થળ મુલાકાત અને સહાયની માંગ
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પરમાર નિરંજનભાઈ ભાવિનભાઈ, ડામોર શંકરભાઇ રત્નાભાઈ તથા ડામોર ભરતભાઈ બચુભાઈ તેમની આખી ટીમ સાથે તાત્કાલિક પીડિત પરિવારની વહારે દોડી ગયા હતા. તેઓએ ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી હતી.
આ ગરીબ પરિવાર પર આવી પડેલી આભ ફાટવા જેવી આફતના સમયે ગામના લોકો અને આગેવાનો દ્વારા સરકારશ્રીને નમ્ર રજૂઆત કરવામાં આવી છે કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી આ પરિવારને યોગ્ય અને વહેલામાં વહેલી તકે આર્થિક વળતર (સહાય) ચૂકવવામાં આવે જેથી તેઓ આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શકે.
રિપોર્ટર :યાસીર ગુડાલા, દાહોદ
Post Views: 47










