ઝાલોદ માર્કેટયાર્ડમાં લાખોના ખર્ચે બનેલી પાણીની પરબ બંધ હાલતમાં: ‘આપ’ દ્વારા સેક્રેટરીને આવેદનપત્ર અપાયું

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઝાલોદ ખેતીવાડી બજાર (માર્કેટયાર્ડ) ખાતે લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત પાણીની પરબ હજુ સુધી બંધ હાલતમાં હોવાના કારણે મુસાફરો અને ખેડૂતોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નેતાઓના હસ્તે ઉદ્ઘાટન થવાની રાહમાં આ પાણીની પરબ બંધ રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરીને આજે 130-ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા માર્કેટયાર્ડના સેક્રેટરી સાહેબને એક આવેદનપત્ર આપીને તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, ભરઉનાળે લોકોને પીવાના પાણી માટે ભટકવું પડે છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે પરબ તો બનાવી દેવાઈ છે. પરંતુ માત્ર નેતાઓના ઉદ્ઘાટનના અભાવે તે જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. આવી કાળઝાળ ગરમીમાં લોકોની સુવિધાને ધ્યાને રાખીને આ પાણીની પરબ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે ઝાલોદ વિધાનસભા ‘આપ’ના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા, ઝાલોદ કાર્યકારી પ્રમુખ મુકેશભાઈ ખડીયા, કિસાન સેલના પ્રમુખ મનસુખભાઈ ડામોર અને મહામંત્રી સંજયભાઈ ડામોર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વહેલી તકે પરબ ચાલુ કરવા રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE