ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ (E-Pharmacy) સામે ફતેપુરામાં કેમિસ્ટોનો ઉગ્ર આક્રોશ: મામલતદારને આવેદનપત્ર પાઠવી તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણ બંધ રાખ્યા

મોબાઈલ એપ્લિકેશન્સ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા થઈ રહેલા દવાઓના ગેરકાયદેસર વેચાણ (E-Pharmacy) સામે ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધનો વંટોળ શરૂ થયો છે. 20 મેના રોજ ‘ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ દ્વારા સ્થાનિક મામલતદારને એક સત્તાવાર આવેદનપત્ર પાઠવીને ઓનલાઈન દવાઓના વેચાણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પ્રબળ માંગ કરવામાં આવી હતી. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થતા આ અપ્રમાણિક વેપારના વિરોધના ભાગરૂપે ફતેપુરા તાલુકાના તમામ નાના-મોટા મેડિકલ સ્ટોર્સ ચોવીસ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. તમામ કેમિસ્ટોએ પોતાના વ્યવસાય બંધ રાખીને સરકાર સામે આ મામલે શાંતિપૂર્ણ પરંતુ મક્કમ વિરોધ નોંધાવ્યો હતો.

આવેદનપત્રમાં એસોસિએશને ગંભીર આક્ષેપો કરતા રજૂઆત કરી હતી કે, વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર શિડ્યુલ-H અને શિડ્યુલ-H1 જેવી અત્યંત ગંભીર આડઅસરો ધરાવતી દવાઓ, હાઈ-ડોઝ એન્ટીબાયોટીક્સ તેમજ નશાકારક કેફી દવાઓ કોઈપણ માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો નકલી-ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે સહેલાઈથી હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. આ બેદરકારીના કારણે સ્થાનિક સ્તરે યુવાધન નશાના ખોટા રસ્તે વળી રહ્યું છે અને ડોક્ટરની સલાહ વિના જાતે દવાઓ લેવાનું (સેલ્ફ-મેડિકેશન) ચિંતાજનક પ્રમાણ વધ્યું છે, જે સમગ્ર સમાજના જાહેર આરોગ્ય સામે એક બહુ મોટું જોખમ ઊભું કરે છે. આ ઉપરાંત, ઓનલાઈન મંગાવવામાં આવતી દવાઓની ગુણવત્તા તેમજ તેના સંગ્રહ માટે જરૂરી તાપમાન (કોલ્ડ ચેઈન મેઈન્ટેનન્સ) જાળવવાની કોઈ સત્તાવાર ગેરંટી હોતી નથી, જે દર્દીઓના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે.

સ્થાનિક કેમિસ્ટોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષોથી ઈમાનદારી પૂર્વક ડ્રગ લાયસન્સ મેળવી, તમામ સરકારી કરવેરા અને નિયમોનું ચુસ્ત પાલન કરીને તેમજ લાયકાત ધરાવતા ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની પ્રત્યક્ષ હાજરીમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રાત-દિવસ સેવા આપતા પરંપરાગત રીટેલ મેડિકલ સ્ટોર ધારકોની રોજીરોટી પર આ ઓનલાઈન કંપનીઓની અપ્રમાણિક સ્પર્ધાના કારણે મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. એસોસિએશનની મુખ્ય માંગણી છે કે દેશ અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ ઓનલાઈન ફાર્મસીઓ અને દવાઓનું ડિજિટલ વેચાણ તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના કાયદાઓનું કડકાઈથી પાલન કરાવીને જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરવામાં આવે.

આ મહત્વપૂર્ણ આવેદનપત્ર ફતેપુરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજીવ ટી. વ્યાસ (શ્રીજી મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર), ઉપપ્રમુખ શ્રી સચિન એસ. મુનિ (સચિન મેડિકલ સ્ટોર), સેક્રેટરી શ્રી ઈરફાન ભાભોર (ઝુબેર મેડિકલ સ્ટોર) તેમજ ટ્રેઝરર શ્રી હેમંત અગ્રવાલ (રૂદ્રાક્ષ મેડિકલ સ્ટોર) ની આગેવાનીમાં તૈયાર કરાયું હતું. તાલુકાના અન્ય તમામ મેડિકલ એસોસિએશનના સભ્યોની સહીઓ સાથે આ રજૂઆત ઉચ્ચ સ્તરે ગાંધીનગર સરકાર સુધી પહોંચાડવા માટે મામલતદારને રૂબરૂ સુપરત કરવામાં આવી હતી.

રિપોર્ટર: યાસીર ગુડાલા,દાહોદ 

Leave a Comment

READ MORE

READ MORE