સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પાઈસજેટ એરલાઈનને નિર્દેશ આપ્યો છે કે તે ₹144 કરોડ જમા કરાવવા માટે સમય વધારવાની પોતાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરે. આ મામલો મીડિયા જગતના અગ્રણી કલાનિધિ મારન અને કાલ એરવેઝ સાથે ચાલી રહેલા કાનૂની વિવાદ સાથે જોડાયેલો છે.
કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે સ્પાઈસજેટની દલીલો પર સુનાવણી કરી હતી. એરલાઈન વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલી કટોકટીના કારણે એરલાઈનની કામગીરી અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી છે. તેમણે સરકારના 5,000 કરોડ રૂપિયાના રાહત પેકેજ (બેઈલઆઉટ પ્રોગ્રામ)નો હવાલો આપીને પૈસા જમા કરાવવા માટે ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. તેમણે એવી પણ દલીલ કરી હતી કે હજારો કર્મચારીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જાહેર હિતને પ્રાથમિકતા મળવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ જવાની સલાહ આપી
જો કે, સુપ્રીમ કોર્ટે સમય આપવાનો ઈનકાર કરી દીધો અને એરલાઈનને હાઈકોર્ટ જવા સલાહ આપી હતી. કોર્ટે ટિપ્પણી કરી કે મે મહિનામાં જાહેર કરાયેલી સરકારી યોજના કે પશ્ચિમ એશિયાની કટોકટીને સમય વધારવાનો આધાર બનાવી શકાય નહીં. કોર્ટે વધુમાં ઉમેર્યું કે એરલાઈનની નબળી નાણાકીય સ્થિતિ કોઈ નવી વાત નથી અને આ બાબત પર પહેલા પણ વિચાર કરવામાં આવી ચૂક્યો છે.
આ પહેલા દિલ્હી હાઈકોર્ટે 4 મેના રોજ સ્પાઈસજેટ અને તેના પ્રમોટર અજય સિંહની રિવ્યુ પિટિશન (સમીક્ષા અરજી) ફગાવી દીધી હતી. હાઈકોર્ટે તેમના પર 50,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો અને તાત્કાલિક ₹144.51 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. જાન્યુઆરીમાં કોર્ટે એરલાઈનને ₹194 કરોડની જવાબદારી સામે ₹144 કરોડ જમા કરાવવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો હતો, જેને માર્ચમાં વધુ ચાર અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો હતો.
સ્પાઈસજેટે આ નાણાંના બદલામાં ગુરુગ્રામમાં એક કોમર્શિયલ પ્રોપર્ટી ગીરવે (સિક્યોરિટી તરીકે) રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કોર્ટે સ્વીકાર્યો ન હતો. કોર્ટનું કહેવું છે કે એરલાઈનને અગાઉ પણ પ્રોપર્ટી વેચીને પૈસા જમા કરાવવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ રાહતનો લાભ ઉઠાવ્યો ન હતો.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદ સ્પાઈસજેટની માલિકી એરલાઈનના કંટ્રોલિંગ શેરહોલ્ડર અજય સિંહને ટ્રાન્સફર થયા બાદ, મારનના પક્ષમાં વોરંટ જાહેર ન કરવાને કારણે ઉભો થયો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફેબ્રુઆરી 2015માં એરલાઈનની નાણાકીય કટોકટી વચ્ચે અજય સિંહે સ્પાઈસજેટનું નિયંત્રણ ફરી પોતાના હાથમાં લીધું હતું. મારન અને કાલ એરવેઝે ફેબ્રુઆરી 2015માં સ્પાઈસજેટમાં તેમના તમામ 35.04 કરોડ ઈક્વિટી શેર (જે 58.46 ટકા હિસ્સેદારી બરાબર હતા) એરલાઈનના સહ-સ્થાપક અજય સિંહને માત્ર 2 રૂપિયામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
Post Views: 56











